પારડીના ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થીઅો માટે બસ સેવા શરુ કરાઈ
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૮ ઃ પારડી તાલુકાના ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું હવે વધુ સરળ અને સુરક્ષિત બનશે. પારડીના કોલક, મોતીવાડા, કલસર, કીકરલા, પલસાણા અને ઉદવાડા જેવા આસપાસના ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓની સુવિધા માટે ઍક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારની ભગવાન બિરસા મુંડા યોજના હેઠળ આ તમામ ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળાઍ આવવા-જવા માટે ખાસ નવી ઍસટી બસ ફાળવવામાં આવી છે. કોલક સાર્વજનિક વિદ્યાલય ખાતે આજરોજ આ ઍસટી બસ આવી પહોંચતા ઉત્સાહભેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લીલી ઝંડી આપીને બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ ખાસ પ્રસંગે પારડી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી બાબુભાઈ ઍફ. ટંડેલ, પ્રફુલભાઈ ટંડેલ, નગીનભાઈ ટંડેલ તેમજ શાળાના આચાર્ય ધર્મેશભાઈ પટેલ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા. કેળવણી મંડળના પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલના યોગ્ય માર્ગદર્શન અને સતત પ્રયાસોના પરિણામે આ ઍસટી બસની સુવિધા શક્ય બની છે. નવી બસ સેવા શરૂ થવાથી ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને હવે દરરોજ સમયસર અને સુરક્ષિત રીતે શાળાઍ પહોંચવામાં ખૂબ જ મોટી રાહત મળશે. આ પ્રસંગે તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ અને ટ્રસ્ટી બાબુભાઈ ટંડેલે આદિવાસી તેમજ ગ્રામીણ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે આવી ઉત્તમ સુવિધા આપવા બદલ ગુજરાત સરકાર અને ઍસટી નિગમનો આભાર વ્યક્ત કર્યો હતો.
