સેલવાસના કેટલાંક વિસ્તારોમાં ૩૫ દિવસથી જળ સંકટ!
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૮ ઃ ઍક તરફ સેલવાસને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ શહેરના વિકસિત અને આધુનિક રહેણાંક વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્ના છે. બાલાજી ટાઉનશિપ, યોગી હિલ, હરિ દર્શન સોસાયટી, યોગી દર્શન, ત્રુપતિ, ઍકદંત સોસાયટી અને રાજશ્રી ટાવર સહિતના વિસ્તારોમાં આશરે ૧૦૦૦ રહેવાસીઓ છેલ્લા ૩૫ દિવસથી પીવાના શુદ્ધ પાણીની અછતનો સામનો કરી રહ્ના છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ૪ ઓગસ્ટથી પાણીનો પુરવઠો અચાનક બંધ થઈ ગયો છે. પાણી મેળવવા માટે કેટલાક લોકોને ઍક કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે, જ્યારે અન્ય લોકો કરિયાણાની દુકાનોમાંથી ૨૦ લીટરનું પાણી રૂ.૩૦થી રૂ.૫૦માં ખરીદવા મજબૂર બન્યા છે. ટેન્કર અંગે પૂછપરછ કરતાં ‘જરૂર પડશે તો મોકલીશું’ જેવા જવાબો મળતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
બાલાજી ટાઉનશિપની ઍક મહિલાઍ જણાવ્યું હતું કે, ‘અમે નાહવા-ધોવાનું પાણી નહીં, પરંતુ પીવાનું પાણી માંગીઍ છીઍ. દર અઠવાડિયે ૨૦ લીટર પાણી માટે રૂ.૩૦થી રૂ.૫૦ ખર્ચવા પડે છે, જે અમારા ખિસ્સા પર ભારે પડી રહ્નાં છે.કેટલાક બાળકોને પણ લાંબા સમયથી શુદ્ધ પાણી મળતું નથી.’ સ્થાનિક રહેવાસી અમરે તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘સ્માર્ટ સિટીના નામે વિકાસની વાતો થાય છે, પરંતુ સામાન્ય લોકોને મૂળભૂત સુવિધા પણ મળતી નથી. આ સ્થિતિ શાસનની કાર્યક્ષમતા સામે સવાલ ઊભો કરે છે.’ ચોમાસાની સિઝનમાં પાણીની ગુણવત્તા અને દૂષિત પાણીથી રોગચાળો ફેલાવાનો ભય પણ વધી રહ્ના છે. સમગ્ર મામલે સ્માર્ટ સિટી તંત્રના ઇજનેરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
