વટારની હાઈસ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 08 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૭ ઃ ઍસ. ઍસ. બી. ડી. દેસાઈ હાઈસ્કૂલ, વટાર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન, તેમના વિચારો, કર્મયોગ અને ધર્મના સંદેશ વિશે જાગૃતિ આવે તે હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓઍ શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલા પ્રસંગો, ભજન, ગીતો તેમજ વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓઍ ખૂબ જ ઉત્સાહપૂર્વક મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઍક મટકી વિદ્યાર્થીની દ્વારા ફોડવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાની શિક્ષિકા અર્પિતાબેન તથા શાળાના આચાર્યશ્રી ડો. નિખિલભાઈ કે. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાના અન્ય શિક્ષકગણઍ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉત્સાહપૂર્વક સહભાગી બની સહકાર આપ્યો હતો.
શાળાના આચાર્ય ડો. નિખિલભાઈ કે. પટેલે વિદ્યાર્થીઓને જન્માષ્ટમીના પર્વની શુભેચ્છા પાઠવી અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી સત્ય, કર્તવ્ય, નિષ્ઠા અને કર્મનો સંદેશ જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી હતી. શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ દેસાઈ ઍ સમગ્ર શાળા પરિવારને જન્માષ્ટમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
