દાનહમાં જન્માષ્ટમી પર્વે વિવિધ સ્થળોઍ મટકી ફોડ કાર્યક્રમો યોજાયા
- byDamanganga Times
- 08 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૭ ઃ દાદરા નગર હવેલીમાં કૃષ્ણ જન્માષ્ટમીનો પાવન પર્વ શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. પ્રદેશના વિવિધ મંદિરો તેમજ સોસાયટીઓમાં નંદોત્સવની સુંદર ઝાંખીઓ સજાવવામાં આવી હતી. સેલવાસના ગાયત્રી મંદિર, તિરુપતિ બાલાજી મંદિર, લવાછા સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર તેમજ દાદરા રામ મંદિર સહિતના સ્થળોઍ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
રાત્રિના ૧૨ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સાથે જ મંદિરો અને સોસાયટીઓમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ‘જય ગોવિંદ જય ગોપાલ’, ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ જેવા જયઘોષથી સમગ્ર વિસ્તાર કૃષ્ણમય બની ગયો હતો. જન્મોત્સવ બાદ ભક્તોના દર્શન માટે ભગવાન શ્રીકૃષ્ણની આકર્ષક ઝાંખીઓ ખુલ્લી મૂકવામાં આવી હતી. આમલી સ્થિત તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને પારણામાં બિરાજમાન કરી સુંદર ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. અહીં ભક્તોઍ ભગવાનને માખણ-મિશ્રીનો પ્રસાદ અર્પણ કરી દર્શનનો લાભ લીધો હતો.
જન્માષ્ટમી નિમિત્તે પ્રદેશના વિવિધ વિસ્તારો ઉપરાંત શાળાઓ અને સોસાયટીઓમાં પણ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં યુવાનો અને બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. વિવિધ સ્થળોઍ મટકી ફોડ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્નાં હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
