Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

તિથલ બીચ પર સફાઈ અભિયાન યોજાયું

તિથલ બીચ પર સફાઈ અભિયાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ  વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સ્વચ્છતા હી સેવાના સંકલ્પને સાકાર કરવા વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના વડપણ હેઠળ રવિવારે વલસાડના રમણીય તિથલ બીચ ખાતે ‘ક્લિન તિથલ-ક્લિન વલસાડ’ની ટેગલાઈન સાથે વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સવારે ૮થી ૧૧ વાગ્યા સુધી સતત ત્રણ કલાકના આ અભિયાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર ટીમ બનાવી તિથલ બીચ તેમજ આસપાસના આશરે ૪ કિમી વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાનમાં આરોગ્ય વિભાગ, પોલીસ, હોમગાર્ડ, ઍનસીસી, ઍનઍસઍસ તેમજ વિવિધ ખાનગી અને સેવાભાવી સંસ્થાના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ  હેતલબેન પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓઍ પણ સફાઈ અભિયાનમાં સહભાગી બની લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. સાથે  ઉપસ્થિત સૌઍ તિથલ બીચને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સંકલ્પ લીધો હતો.
જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું કે,  પોતે પણ ગંદકી ન કરવી અને બીજાને પણ ગંદકી કરતા અટકાવવી ઍ જાગૃત નાગરિક તરીકે આપણી સૌની જવાબદારી છે. સાથે જ તેમણે સફાઈ કામદારોના યોગદાનને બિરદાવતા જણાવ્યું કે, લોકો ગંદકી ફેલાવે છે અને સફાઈ કામદારો તેને સાફ કરે છે.  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ સફાઈ કામદારોનું સન્માન કરતા હતા.
આ સફાઈ અભિયાનમાં તિથલ ગામના સરપંચ રાકેશભાઈ પટેલ, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઍ.વી. ડાંગી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ઍ.કે. સિંઘ, શિક્ષણ વિભાગના ઍજ્યુકેશન ઈન્સ્પેક્ટર બીપીનભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી જી.જી. વળવી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના અંદાજે ૭૦૦ લોકો જોડાયા હતા.