Damanganga Times.

Damanganga Times.

September 04, 2026

ભાઠી કરમબેલીમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાયું

ભાઠી કરમબેલીમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૩ ઃ ઉમરગામ તાલુકાના ભાઠી કરમબેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ સમાજના લોકોના ઉપયોગ માટે કોમ્યુનિટી હોલના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત બાદ હોલના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે.ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઈ વરઠા, નરેશભાઈ પરમાર, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મનીષભાઈ સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. કોમ્યુનિટી હોલના નિર્માણ માટે ઉપયોગમાં લેવાઈ રહેલી જમીન સ્કૂલ બોર્ડની હોવાનું જણાવી સ્થાનિક કેટલાક આગેવાનોઍ વાંધો રજૂ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ સ્કૂલ બોર્ડની જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ ન થવો જોઈઍ અને નિયમોનું પાલન કરવામાં આવે તે જરૂરી છે.
બીજી તરફ, સ્થાનિક વિસ્તારમાં શાળાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુવિધાસંપન્ન શાળા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. ગામમાં વિવિધ સમાજના લોકો તથા ગ્રામજનોને ઉપયોગી થાય તેવા કોમ્યુનિટી હોલની જરૂરિયાત અંગે સ્થાનિકોની રજૂઆત બાદ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો દ્વારા પણ નિયમ મુજબ જરૂરી મંજૂરી મેળવીને જ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે અને તેનો લાભ ગ્રામજનોને મળી રહે તે દિશામાં કામગીરી થશે તેમ જણાવાયું હતું. આમ, ઍક તરફ ગામના જાહેર ઉપયોગ માટે કોમ્યુનિટી હોલના નિર્માણને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી તરફ જમીનના ઉપયોગ અને મંજૂરીના મુદ્દે સ્થાનિક આગેવાનો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવતા કાર્યક્રમ દરમિયાન ચર્ચાનો માહોલ પણ જોવા મળ્યો હતો.