ગાંધીવાડીથી પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો
- byDamanganga Times
- 04 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૩ ઃ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતિ આવે તે હેતુથી ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સંદેશ સાથે સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નં. ૬ના ગાંધીવાડી વિસ્તારમાં નગરપાલિકા અને ભાજપ સંગઠન દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી.
આ પ્રસંગે ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા, નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, પ્રભારી પરેશભાઈ, ઉપપ્રમુખ યોગેશભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન સમીરભાઈ કંસારા, તાલુકા વિકાસ અધિકારી સહિત ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો, પોલીસ જવાનો અને જાગૃત આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. સ્વચ્છતા માટે દરેક નાગરિકે જવાબદારી નિભાવવી જરૂરી રમણભાઈ પાટકર કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરી સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાની પહેલ કરી હતી. આજે ૧૨ વર્ષ બાદ આ અભિયાનના પરિણામે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધી છે અને તેના કારણે આરોગ્ય ક્ષેત્રે પણ સકારાત્મક પરિણામો જોવા મળી રહ્ના છે.તેમણે દરેક નાગરિકને પોતાના ઘર, ફળિયા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા તેમજ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવવા અપીલ કરી હતી. ધારાસભ્ય રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોમાં પણ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ફેણસા અને માંડા બાદ આગામી રવિવારે ખતલવાડ ગ્રામ પંચાયત કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાશે. મહાત્મા ગાંધીના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના વિચાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને જનભાગીદારીથી આગળ ધપાવવાના સંકલ્પ સાથે વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરીને વેગ આપવામાં આવી રહ્ના છે.
