Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

કુંડી ફાટક પાસે હોટલ માલિક પર તલવારથી હુમલો

કુંડી ફાટક પાસે હોટલ માલિક પર તલવારથી હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર કુંડી ફાટક પાસે આવેલી શિવશક્તિ મહાદેવ હોટલ  માલિક પર જૂની અદાવત રાખી હોટલના જ પૂર્વ કર્મચારીઍ તલવાર વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોટલ માલિકને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
 વલસાડ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર કુંડી ફાટક પાસે આવેલી ‘શિવશક્તિ મહાદેવ હોટલ  પ્રદિપસિંહ ઠાકોર ની માલિકીની હોટલ આવેલી છે આ માલિકીને હોટલમાં રાજસ્થાન ડુંગરપુર માં રહેતા અને  હોટલના મેનેજર પ્રકાશચંદ્ર સુભાષચંદ્ર સેવક મેનેજર તરીકે ફરજ બજાવે છે.
હોટલમાં અગાઉ કામ કરતા ભરતકુમાર ગણેશરામ પુરોહિત રહે. મેરવાડા, શિરોહી, રાજસ્થાન ઍ હોટલના સ્ટાફ સાથે બાઇકની ચાવી બાબતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. આ અંગે હોટલ માલિક પ્રદિપસિંહ ઠાકોરને જાણ કરાતાં તેઓ હોટલ પર દોડી આવ્યા હતા અને અગાઉ પણ સ્ટાફ સાથે ઝઘડો કરતા રહેતા ભરતકુમારને હોટલ છોડીને નીકળી જવા જણાવ્યું હતું. ત્યારબાદ ભરતકુમાર પોતાની બેગ લઈને નીકળી ગયો હતો. જોકે, થોડા સમય બાદ રાત્રિના આશરે બે વાગ્યાના ભરતકુમાર અચાનક ફરી હોટલ પર આવ્યો હતો અને પોતાની સાથે બેગમાં લાવેલી તલવાર કાઢી, હોટલમાંથી કાઢી મૂકવાની અદાવતમાં  હોટલ માલિક   પ્રદિપસિંહ પર ગળાના ભાગે તલવારનો ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા તે  લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
હુમલો કર્યા બાદ આરોપી  ભરતકુમાર  ગણેશરામ પુરોહિત તલવાર સાથે ત્યાંથી અંધારામાં ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા હોટલ માલિક પ્રદિપસિંહને તાત્કાલિક વલસાડની ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે ‘ચીમ્સ હોસ્પિટલ’ (અટક પારડી) ના આઈ.સી.યુ. વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર જણાતાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંગે હોટલના  મેનેજર પ્રકાશચંદ્રની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભરતકુમાર પુરોહિત વિરુદ્ધ હત્યા નો પ્રયાસ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.