ઉમરસાડી માછીવાડમાં ઢીંગલા ઢીંગલી લગનેત્સવની ભવ્ય ઉજવણી
- byDamanganga Times
- 02 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૧ ઃ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં દરિયાદેવ પૂજન સાથે ઢીંગલા ઢીંગલીના લગ્નોત્સવની અનોખી પરંપરા સાથે ઉજવણી કરવામાં આવી હતી ઉમરસાડી માછીવાડ ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ શ્રાવણ સુદ પૂનમ ઍટલે કે નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનોઍ દરિયાદેવનું પૂજન કરી સુખ સમૃદ્ધિ અને મચ્છીમારીના વ્યવસાયમાં બરકત માટે પ્રાર્થના કરી હતી દરેક ફળિયાના યુવાનો અને વડીલબંધુઓ પોત - પોતાના હાથમાં નાળિયેર, ફૂલ, ચોખા તથા પૂજાની સામગ્રી સાથે ભજન કીર્તન કરતા સમુદ્ર કિનારે પહોંચ્યા હતા. દરિયાદેવની સ્તુતિ બાદ સમુદ્રમાં શ્રીફળ વધારી પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ દરિયા કિનારે ગરબાની રમઝટ બોલાવી હતી. વર્ષો પહેલા રમાતી આંધરા પાટા ઍટલે કે આંખે પાટા બાંધીને નારિયળ ફોડવુંની રમત હવે લુ થતી જોવા મળી રહી હોવાનું ગ્રામજનોઍ જણાવ્યું હતું ઢીંગલા ઢીંગલીના લગ્ને જીવંત રાખી અનોખી લોક પરંપરા નારિયેળી પૂનમના પર્વની સાથે ગામના વિવિધ ફળિયામાં મહિલાઓ અને માતાઓ દ્વારા ઢીંગલા ઢીંગલીના લગ્નોત્સવની અનોખી પરંપરા પણ જાણવી રાખવામાં આવી છે. વહેલી સવારથી બહેનો છાપરીમાં ઍકત્રિત થઈ ઢીંગલા ઢીંગલીના લગ્ન માટે સજ્જ થઈ વિવિધ વિધિઓ કરે છે. ત્યાર બાદ મામાની ઘરેથી મોસાળુ લાવવામાં આવે છે. અને ચાંલ્લા વિધિ યોજાય છે રાત્રે બેન્ડ વાજા અથવા ડીજે તાલે ઢીંગલાની જાન કાઢવામાં આવે છે જેમાં સમગ્ર ફળિયાંના લોકો નાચ ગાન કરતા નજરે પડે છે. ત્યારબાદ લગ્ન વિધિ યોજી મંત્રોચ્ચાર સાથે ઢીંગલા ઢીંગલીના લગ્ન સંપન્ન કરવામાં આવે છે લગ્ન બાદ ઢીંગલા ઢીંગલીને પાંચમ સુધી રાખવામાં આવે છે. અને ત્યાર બાદ લોકગીત સાથે માનભેર દરિયામાં વિદાઈ આપવામાં આવે છે.
દરિયા દેવ પૂજન અને ઢીંગલા ઢીંગલીના લગ્નોત્સવની આ અનોખી પરંપરાથી ઉમરસાડી માછીવાડ ગામમાં આખા દિવસ દરમિયાન ભક્તિ, લોકસંસ્કૃતિ અને ઉત્સાહથી ભરેલો જોવા મળે છે.
