આહવામાં રેલી સાથે કલેક્ટર અને ઍસપીને આવેદન અપાયું
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૩૧ ઃ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ગારખડી અને ઝરી ગામ નજીક સીતાવન ખાતે ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવાના પ્રકરણથી સમગ્ર ડાંગ જિલ્લામાં ભારે આક્રોશ, રોષ અને તંગદિલીનો માહોલ સર્જાયો છે.
આ ઘટનાના વિરોધમાં અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે જિલ્લા મથક આહવા ખાતે ઍક અભૂતપૂર્વ અને વિશાળ જનમેદની સાથેનો વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
સ્થાનિક આગેવાનો અને વિવિધ હિન્દુ સંગઠનોના આહ્વાન પર આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા લોકો ઍકત્ર થયા હતા. જિલ્લાના બિરસા મુંડા સર્કલથી ઍક વિશાળ અને સંગઠિત રેલી નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર દ્વારા જિલ્લા કલેક્ટર અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક (લ્ભ્) ને વિનંતી સાથે કડક માગણી કરવામાં આવી હતી કે, ધાર્મિક આસ્થા પર પ્રહાર કરનાર આ અજાણ્યા ઈસમો કે અસામાજિક તત્વોની સત્વરે ઓળખ કરી તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તથા જિલ્લાના તમામ મહત્વના અને પૌરાણિક ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત અને કડક બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવે પરિસ્થિતિ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બાબતે જાણવા જોગ ફરિયાદ નોîધી તપાસ હાથ ધરવામાં આવી છે અને સ્થાનિક વિસ્તારના ૧૦૦ થી પણ વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ પ્રસંગે ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત, પી.પી. સ્વામીજી, સાધ્વી યશોદા દીદી, હેતલ દીદી સહીત ડાંગ જિલ્લાનાં પાંચ રાજવીઓ અને હિન્દૂ સંગઠનનાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્ના હતા.
