સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનાં અંતિમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટયા
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૩૧ ઃ ડાંગનાં ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ૨૧ દિવસથી ચાલી રહેલા મોન્સ ફેસ્ટિવલના અંતિમ તબક્કામાં શનિ-રવિની રજાઓને પગલે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાજ્યનાં કૃષિ વિભાગનાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીઍ પણ પરિવાર સાથે સાપુતારા સહિત ડાંગની મુલાકાત લીધી હતી. ફેસ્ટિવલ દરમિયાન યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમો તથા અનુકૂળ વરસાદી વાતાવરણને પગલે સાપુતારામાં પ્રવાસનનો માહોલ વધુ જામ્યો હતો. મોન્સૂન ફેસ્ટિવલની રજાઓના માહોલ વચ્ચે શનિવાર અને રવિવારે સાપુતારા પ્રવાસીઓથી ઉભરાઈ ગયુ હતુ. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ખાનગી વાહનો તેમજ પ્રવાસી બસો મારફતે સાપુતારા પહોંચ્યા હતા. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે મુખ્ય પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જોવા મળી હતી, જ્યારે ર્પાકિંગની વ્યવસ્થા પણ ખોરવાતી જોવા મળી હતી. પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ખાસ કરીને સ્થાનિક કલાકારોને સ્ટેજ પરફોર્મન્સ માટે પૂરતી તક મળતા સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ વચ્ચે ધુમ્મસ અને વરસાદી ઝાપટાઓથી સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાઍ ખીલી ઊઠ્યું હતુ. રાજ્યના ઍકમાત્ર ગિરિમથક સાપુતારામાં હરિયાળી, ધુમ્મસ, વરસાદ અને વિવિધ ઍડવેન્ચર ઍક્ટિવિટીઓ પ્રવાસીઓ માટે યાદગાર સંભારણું બની રહી છે. મોન્સૂન ફેસ્ટિવલના અંતિમ દિવસે વિકેન્ડની રજાઓમાં ઉમટેલી પ્રવાસીઓની ભીડને જોતા આ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ પ્રવાસીઓને સાપુતારા તરફ આકર્ષવામાં સફળ રહ્ના હોવાનું ચિત્ર ઉપસી રહ્નાં છે.
