બીલીમોરા સોમનાથ મંદિરે કાવડિયાઓઍ અંબિકા નદીના જળથી જળાભિષેક કર્યો
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૩૧ ઃ બીલીમોરા સોમનાથ મંદિરે વીતેલા ઍક દાયકાથી ઉત્તર ભારતીય સમાજની આગેવાની માં યુવાનો કાવડ માં અંબિકા નદી નું પવિત્ર જળ લઈ આવી જળાભિષેક કરે છે. અહીં શ્રાવણી પૂનમ શુક્રવારે સવારે ૨૦૦ કાવડીયા બમ બમ ભોલેના નાદ સાથે જળાભિષેક કરવા પહોંચ્યા હતા. માર્ગ માં ઠેર ઠેર કાવડીયા શિવભક્તો નું સન્માન કરાયું હતું.
બીલીમોરા આંતલીયા જીઆઇડીસી સ્થિત શિવનાથ ગ્રુપના ૨૦૦થી વધુ યુવાનો શુક્રવારે વહેલી સવારે ભગવા ધારણ કરી ખુલ્લા પગે ગણદેવી તાલુકાના કછોલી ગંગેશ્વર મહાદેવના દર્શને ઉપડયા હતા. જ્યાં ભોલેનાથના દર્શન કરી મંદિરના પૂર્વાભિમુખ વહેતી અંબિકા નદી (ગંગા નદી)નું શુદ્ધ જળ કાવડમાં લઇ બમ બમ ભોલેના નાદ સાથે પગપાળા કાવડયાત્રા શરૂ કરી હતી. તેઓ ૧૫ કિ.મી.નું અંતર કાપી બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતાં. માર્ગ માં ઠેર ઠેર કાવડીયા શિવભક્તો નું સન્માન કરાયું હતું. બીલીમોરા સોમનાથ મંદિર ઍ સદીઓ પૂર્વે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. જેની ઉપર તેમણે બમ બમ ભોલેના નાદ સાથે જળાભિષેક કર્યો હતો. અને દાદાના આશીર્વાદ લીધા હતા. ઍક દાયકાથી શિવનાથ ગ્રુપ કાવડયાત્રા યોજે છે.
