ધરમપુર-કપરાડાના ખેડૂતોઍ યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદન
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને નાનાપોંડા વિસ્તારમાંથી પસાર થતી ખાવડા-બોઇસર ૭૬૫ ધ્સ્ હાઇટેન્શન લાઇન તથા ૨૨૦ કેવી જેટકો વીજ લાઇનની કામગીરી સામે સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. જમીનનું યોગ્ય વળતર ચૂકવ્યા વગર તેમજ જમીન માલિકોને પૂર્વ જાણ કે મંજૂરી લીધા વગર કામગીરી શરૂ કરી દેવાતાં ‘અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ’ના આગેવાનોઍ આજરોજ કલેક્ટર કચેરીઍ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ખેડૂતો ઍ માંગણી કરી કે વીજ લાઇન માટે આશરે ૬૭ મીટર પહોળો કોરિડોર ખેતીની જમીનમાંથી પસાર થાય છે. વીજ લાઇન કે ટાવર ઊભા થયા બાદ જમીનનો ભવિષ્યમાં બિનખેતી કે વાણિજ્યિક ઉપયોગ થઈ શકતો નથી. જેથી જમીનનું મૂલ્યાંકન માત્ર ખેતીની જમીનના દરે નહીં, પરંતુ બિનખેતી (કોમર્શિયલ) દરે કરવામાં આવે તેવી મુખ્ય માંગણી કરવામાં આવી છે.
ટાવર બેઝ માટે ૪૦૦ ટકા અને પાક-વૃક્ષો માટે ૨૦૦ ટકા વળતરની માંગ,ખેડૂત આગેવાનોઍ ટાવર બેઝ માટે બિનખેતી બજાર કિંમતના ૪૦૦ ટકા વળતર ચૂકવવાની માંગણી કરી છે. આ ઉપરાંતરાઇટ ઓફ વે ( આર. ઍ કોરિડોરમાં આવતી જમીન માટે ૪૦૦ ટકા ના ૬૦ ટકા લેખે વળતર ચૂકવવા રજૂઆત કરી છે. વીજ લાઇનની કામગીરી દરમિયાન ફળાઉ કે અન્ય વૃક્ષો તેમજ પાકને નુકસાન થાય તો જમીન સંપાદન કાયદા મુજબ ૧૦૦ ટકા સોલેશિયમ સહિત કુલ ૨૦૦ટકા વળતર આપવા તથા બાંધકામ બાદ લાગુ પડતા તમામ વેરા વીજ કંપની દ્વારા ભરવાની માંગ કરાઈ છે.આગેવાનોઍ આક્ષેપ કર્યો હતો કે સરકારી પરિપત્ર મુજબનું વળતર વાસ્તવિક નુકસાનની સરખામણીઍ ઘણું ઓછું અને અપૂરતું છે.
કેટલાક સ્થળોઍ ટાવર ઊભા થઈ ગયા હોવા છતાં ખેડૂતોને હજુ સુધી ચૂકવણી મળી નથી. વળી, ગામના સરપંચો અને જમીન માલિકો સાથે સંકલન કર્યા વગર મનસ્વી રીતે કામગીરી કરાઈ રહી છે.
ખેડૂતોઍ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી યોગ્ય વળતર નક્કી કરી ચૂકવણી કરવામાં નહીં આવે, ત્યાં સુધી અસરગ્રસ્ત ગામોમાં હાઇટેન્શન લાઇનનું કામ ચાલુ કરવા દેવામાં આવશે નહીં. જો માંગણીઓ સંતોષાશે નહીં તો ધરમપુર અને કપરાડા તાલુકાના તમામ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને ઍકત્ર કરી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
