Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

‘ઓ રી ચિરૈયા, નન્હી સી ચિડિયા, અંગનામેં ફિર આજા રે’

‘ઓ રી ચિરૈયા, નન્હી સી ચિડિયા, અંગનામેં ફિર આજા રે’


 અમારો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હજીય લીલોતરીથી હર્યોભર્યો રહી શક્યો છે. અલબત્ત, વૃક્ષોની વાઢ-કાપ તો અહીં પણ થાય છે છતાંય બીજે બધે જે જોરશોરમાં વૃક્ષછેદન ચાલે છે ઍનાં પ્રમાણમાં ઓછું. ઍમાંય વલસાડ અને ઍની આજુબાજુના ધરમપુર, કપરાડા કે ડાંગ જેવા વિસ્તારોને તો હરિયાળીની જાળવણી માટે થોડા ગ્રેસના માર્ક્સ આપવા જ પડે.
વલસાડમાં પૂર્વજોના સમયથી અનાવિલ (દેસાઈ) જ્ઞાતિ જમીન સાથે જોડાયેલી. અત્યાર સુધી તો લગભગ દરેક અનાવિલ પરિવાર પાસે આંબા, ચીકુની વાડીઓ હતી જ. થોડા સમયથી બુલેટ ટ્રેન આવવાનો ધમધમાટ ચાલુ થયો ઍમાં કેટલાય પરિવારોઍ પોતાની જમીન વેચીને રોકડી કરી લીધી. ઍ સિવાય મોટા મોટા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બનાવવા માટે જમીન વેચવામાં પણ ઘણાને મોટો લાભ દેખાયો. તે છતાં જે થોડા પરિવારોના ધરતી સાથેના મૂળિયાં ઊંડે સુધી ઊતરેલાં હતાં તેમણે જે છે ઍમાં સંતોષ માનીને પોતાને મળેલો વારસો સાચવી રાખ્યો.આજે ઍવા જ ઍક કુટુંબની વાત કરવી છે. ઍક વિશાળ પરિસરમાં પિતરાઈ ભાઈઓના બંગલાઓ અડખે-પડખે આવેલા. આસપાસની જમીનમાં થોડાઘણાં શાકભાજી કે સુંદર મજાનાં ફૂલો ઉગાડેલાં. કુટુંબમાં કોઈ વારો-તારો કે વેરો-વંચો નહીં. કોઈ અજાણ્યું જાય તો કોણ સગા ભાંડરડાં કે કોણ પિતરાઈ ઍવી ખબર જ ન પડે. ગામમાં કે બહારગામ પરણેલી બહેનો બળેવનો તહેવાર ઉજવવા ક્યારનીય થનગનતી હોય. કુટુંબની છ દીકરીઓ જ્યાં હોય ત્યાંથી ભાઈઓને રાખડી બાંધવા આવે જ આવે. બહેનો અંતરના આશિષ આપીને ભાઈઓને ભાવથી રાખડી બાંધે અને ભાઈઓ ઍમને અવનવી ભેટ આપીને નવાજે. આ વર્ષે તા.૨૮ ઑગસ્ટે રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો ઍ પહેલાં ભાઈઓ વચ્ચે બહેનોને શું ભેટ આપવી ઍની વિચારણા ચાલી. ઍમાં કોઈક તરફથી બહેનો પાસે વૃક્ષારોપણ કરાવવાનું સૂચન આવ્યું અને સૌઍ ખુશ થઈને વાત વધાવી લીધી. બસ, પછી તો શેની રાહ જોવાની? ચાલવાના રસ્તાની આજુબાજુ બંને તરફ ત્રણ ત્રણ ખાડા ખોદાયા. બહેનો પાસે બળેવના પવિત્ર દિવસેઍ ખાડાઓમાં આસોપાલવના છોડ રોપાવવાના હતા. બહેનોને ખબર પડી ત્યારે ઍ બધી તો ભાવાવેશમાં આવી ગઈ. પિયરનાં આંગણાંમાં આ રીતે પોતાની સ્મૃતિ ચીરંજીવ રહેશે ઍ વિચારીને ઍમની આંખો ભીની થઈ ગઈ. રક્ષાબંધનના દિવસે શુભ મૂર્હતમાં છઍ દીકરીઓના હાથે આસોપાલવ રોપાયાં. ઍક અનેરો ઉત્સવ ઉજવાયો. બહેનોને ભાઈઓ તરફથી પોતાનાં જીવનની અમૂલ્ય અને સર્વોત્તમ ભેટ મળી. સૌને હૈયે આનંદ છલકાતો હતો. બહેનો અંદરો અંદર આ ઝાડ મારું અને આ મારું ઍમ મીઠા ઝઘડા કરતી હતી ઍમને ભાઈઓઍ વચન આપ્યું કે, ઝાડ મોટાં થાય ત્યારે ઍના પર તમારાં નામની તકતી લગાડીશું.  વર્ષોનાં વર્ષો પછી પણ હવે આંગણે કોઈ શુભ પ્રસંગ આવશે અને તોરણ બનાવવા આસોપાલવનાં પાન જોઈતા હશે ત્યારે ભલે ઍ બહેન હયાત હોય કે નહીં પણ ઍમ કહેવાશે કે, ફલાણી ફઈના આસોપાલવ પરથી પાન તોડી આવો. અને જ્યારે બારણે તોરણ ઝૂલતું હશે ત્યારે પાનની સાથે ગૂંથેલા ગલગોટાની જેમ ઍ બહેનની યાદ મહોરી ઊઠશે. આ વાત જાણી ત્યારે મને સ્વાનંદ કીરકીરેઍ ગાયેલાં ગીતની પંક્તિઓ યાદ આવી –
ઓ રી ચિરૈયા, નન્હી સી ચિડિયા, અંગનામેં ફિર આજા રે,
કિરનોં કે તીનકે, અંબર સે ચૂન કે, અંગનામેં ફિર આ જા રે
આવું સાંભળીને પેલી ઊડી ગયેલી ચકલીઓ કલબલ કરતી પિયરને આંગણે આવી જ પહોંચશે ઍમાં કોઈ શંકા છે.