ગુંદલાવ ચોકડી પાસે હાઈમસ્ટ લાઈટો બંધ : અકસ્માતનો ભય
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧વલસાડ નજીક આવેલા વ્યસ્ત ગુંદલાવ ચોકડી હાઇવે ઓવરબ્રિજ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુકવામાં આવેલી હાઇમસ્ટ લાઇટો છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં પડી રહી છે. રાત્રિના સમયે ઓવરબ્રિજ અને સર્વિસ રોડ પર ઘોર અંધારપટ છવાઈ જતાં વલસાડ, ખેરગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી અવરજવર કરતા સેંકડો વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્ના છે.
અંધકારને કારણે અકસ્માતનું મોટું જોખમ
ગુંદલાવ ચોકડી ઍ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે તથા ખેરગામ-ધરમપુર તરફ જતા માર્ગોને જોડતો મહત્વનો ટ્રાફિક જંકશન પોઇન્ટ છે. અહીં હાઇમસ્ટ લાઇટો બંધ હોવાથી રાત્રિના સમયે દૂરથી આવતા ભારે વાહનોને ર્ટનિંગ કે ક્રોસિંગ સ્પષ્ટ દેખાતું નથી, જેથી ગંભીર અકસ્માતની શક્યતા વધી ગઈ છે. ગુંદલાવ જીઆઈડીસીમાં રાત્રિ પાળીમાં નોકરી કરતા કામદારો અને દ્વિચક્રી વાહનચાલકોને અંધારામાં ખાડા કે રખડતા ઢોરો ન દેખાતા વારંવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે.
અંધકારનો લાભ લઈને અસામાજિક તત્વો દ્વારા ચોરી કે લૂંટફાટ જેવી પ્રવૃત્તિઓ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
સ્થાનિકો અને મુસાફરોની તાત્કાલિક સમારકામની માંગ
સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે, હાઇવે ઓથોરિટી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લાઇટો લગાવવામાં તો આવી છે પરંતુ તેની યોગ્ય જાળવણીના અભાવે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે છે. આ મામલે તંત્ર વહેલી તકે નિંદ્રામાંથી જાગીને બંધ પડેલી હાઇમસ્ટ લાઇટોનું તાત્કાલિક સમારકામ હાથ ધરે અને રાત્રિ પ્રકાશની યોગ્ય વ્યવસ્થા પુનઃ કાર્યરત કરે તેવી લોકમાગ ઉઠી છે.
