વાપી મનપાના ટાઉન અને ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક સ્થળોઍ સાફ-સફાઈની કામગીરી ખોરવાઈ જતાં તેમજ ડોર ટુ ડોર કચરો કલેક્શનની કામગીરી નિયમિત ન થતાં નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. ટાઉન વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. વાપી ટાઉન તેમજ અન્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન માટે અલગ વાર્ષિક ટેન્ડર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે સાફ-સફાઈની કામગીરી માટે પણ અલગ વાર્ષિક ટેન્ડર કરી આશરે ત્રણ જેટલી ઍજન્સીઓને જુદા જુદા વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ટેન્ડર હેઠળ કામગીરી સંભાળતી ઍજન્સીઓ દ્વારા તેમને સોંપાયેલા વિસ્તારોમાં નિયમિત સાફ-સફાઈ કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેનું મુખ્ય કારણ સફાઈ કામદારોને ઍજન્સી દ્વારા નિયમિત પગાર નહીં કરતા હોવાની ચર્ચા પણ સંભળાઈ રહી છે.
કેટલાક વિસ્તારોમાં તો મહિનામાં માત્ર ઍકાદ વખત જ સફાઈ માટે કર્મચારીઓ આવતા હોવાની બૂમ નગરજનો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. પરિણામે રસ્તાઓ, જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં કચરો ઍકત્ર થવાથી લોકોની હાલાકી વધી રહી છે. સ્થાનિકોમાં ઍવી પણ ચર્ચા ચાલી રહી છે કે આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમના કર્મચારીઓ દ્વારા નગરજનોની તમામ ફરિયાદોને સમાન ગંભીરતાથી ધ્યાને લેવાને બદલે કેટલાક મળતિયાઓ અને કહેવાતા બની બેઠેલા નેતાઓની ફરિયાદોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેવી ફરિયાદ કરનાર નગરજનો માં ચર્ચા ચાલી રહી છે.
સફાઈ અને કચરા કલેક્શન જેવી મૂળભૂત નાગરિક સુવિધાઓમાં બેદરકારીને કારણે નગરજનોમાં નારાજગી વધી રહી છે. ત્યારે વાપી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચેરમેન સંદીપભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર તેમજ મનપાના પ્રમુખ દક્ષાબેન પટેલ, ઉપપ્રમુખ મિતેશભાઈ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર ઍજન્સીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજેરોજ ડોર ટુ ડોર કચરો કલેક્શન થાય અને દરરોજ નિયમિત સાફ-સફાઈ થાય તેવી કડક વ્યવસ્થા ગોઠવવામાં આવે, તેવી પણ નગરજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જોકે વાપી મહાનગરપાલિકાના મુખ્ય બજાર નહેરુ સ્ટ્રીટ ગીતા નગર મુખ્ય માર્ગ તેમજ વાપી કોપરલી રાજમાર્ગ ઉપર જ સફાઈ કરવામાં આવે તેમ દેખાઈ રહ્નાં છે જોકે જે ઍજન્સીઓને સાફ-સફાઈ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેઓની પાસે સફાઈ કામદારો ની સંખ્યા ખૂબ જ ઓછી હોવાની ચર્ચા પણ જણાઈ રહી છે.
