જિલ્લામાં ગણેશોત્સવ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ અમલી
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણપતિ ઉત્સવ-૨૦૨૬માં આયોજકોની સુવિધા માટે સભા, સરઘસ અને લાઉડસ્પીકરની પરવાનગીઓ આપવા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવાનો હુકમ કરાયો છે. આ વ્યવસ્થા હેઠળ, અરજદારોને વિવિધ પરવાનગીઓ માટે અલગ-અલગ જગ્યાઍ જવાને બદલે સિંગલ વિન્ડો સિસ્ટમના માધ્યમથી ઍક જ સ્થળેથી તમામ મંજૂરીઓ મળી રહેશે.
આ કામગીરી માટે સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ જે તે વિસ્તારના મામલતદાર અને ઍક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવ્યા છે. પોલીસ સંકલન જાળવવા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા દરેક મામલતદાર કચેરી ખાતે સંબંધિત પોલીસ સ્ટેશનના ઍક કર્મચારીની નિયુક્તિ કરવામાં આવશે. દરેક કચેરીમાં આ સમગ્ર કામગીરીના સંકલનની જવાબદારી નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીને સોંપવાની રહેશે.
અરજદાર દ્વારા પરવાનગીની માંગણી થયેથી રજાના દિવસો સિવાય ૩ (ત્રણ) દિવસની અંદર જ પરવાનગી અપાઈ જાય તેવી વ્યવસ્થા સુનિડ્ઢિત કરવાની રહેશે. આ હુકમ માત્ર આગામી ગણપતિ ઉત્સવ-૨૦૨૬ પૂરતો જ અમલી રહેશે અને આ સમયગાળા દરમિયાન સરકારના પ્રવર્તમાન નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાનું રહેશે.
