Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

ડાંગના સીતાવનમાં ધાર્મિક મૂર્તિઓ ખંડિત થતા પંથકમાં ચકચાર

ડાંગના સીતાવનમાં ધાર્મિક મૂર્તિઓ ખંડિત થતા પંથકમાં ચકચાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૩૦ ઃ ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનાં ગારખડી અને ઝરી ગામ વિસ્તારમાં પૌરાણિક મહત્વ ધરાવતા સીતાવન વિસ્તારમાંથી ઍક અત્યંત સંવેદનશીલ અને આઘાતજનક ઘટના સામે આવી છે. અજ્ઞાત અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક મૂર્તિઓને ખંડિત કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પૌરાણિક અને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ પવિત્ર સ્થળે મૂર્તિઓને નુકસાન પહોંચાડવાના કૃત્યથી સ્થાનિક શ્રદ્ધાળુઓ અને આદિવાસી સમાજની ધાર્મિક આસ્થાને ઊંડી ઠેસ પહોંચી છે,જેના કારણે લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ભારે રોષનો માહોલ સર્જાયો છે. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સીતાવન ખાતે ઍકઠા થઈ ગયા હતા અને આ નિકૃષ્ટ કૃત્ય કરનારા દોષિતો સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિશાળ પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ધારાસભ્યઍ સ્થળ પરની પરિસ્થિતિનો તાગ મેળવીને દોષિતોને વહેલી તકે ઝડપી પાડવા નિર્દેશ આપ્યા હતા. પોલીસ કાફલાઍ સમગ્ર ઘટનાસ્થળને કોર્ડન કરી ફોરેન્સિક અને ટેકનિકલ ટીમોની મદદથી પુરાવા ઍકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સુબિર પંથકમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સીતાવન અને આસપાસના વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સ્થાનિકોને શાંતિ અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે, જ્યારે પોલીસે ખાતરી આપી છે કે આ અસામાજિક તત્વોને શોર્ટ સમયમાં શોધીને કાયદાનું ભાન કરાવવામાં આવશે. વધુમાં આ સંદર્ભે હિન્દૂ સંગઠનનાં આગેવાનોની આજે ગારખડી ખાતે બેઠક મળી હતી. જેઓઍ ૩૧મી ઓગષ્ટનાં રોજ આહવા ખાતે વિશાળ રેલીમાં સૌ કોઈને હાજર રહેવા અનુરોધ કર્યો હતો.