Damanganga Times.

Damanganga Times.

August 28, 2026

નારગોલમાં ખોવાયેલું મંગળસુત્ર મૂળ માલિકને પહોચાડાયું

નારગોલમાં ખોવાયેલું મંગળસુત્ર મૂળ માલિકને પહોચાડાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૭ ઃ આજના સમયમાં જ્યારે માનવતા અને પ્રામાણિકતા ધીરે ધીરે ઓછી થતી જાય છે, ત્યારે નારગોલ ગામમાં પ્રામાણિકતાનો ઍક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ગત હોળીના તહેવાર દરમિયાન નારગોલના માંગેલવાડ વિસ્તારની ઍક યુવતી તેના પરિવારના દર્દીને લઈને નારગોલના જાણીતા ડો. નીરજભાઈ બારીઆને ત્યાં દવા લેવા આવી હતી. તે સમય દરમિયાન યુવતીના ગળામાં પહેરેલું કિંમતી મંગળસૂત્ર ક્યાંક પડી ગયું હતું. યુવતી અને તેના પરિવારે આજુબાજુ ઘણી શોધખોળ કરી હતી, પરંતુ મંગળસૂત્ર ક્યાં પડ્યું તેની ચોક્કસ ખબર ન પડતા, આશરે રૂ. ૧.૫૦ લાખની કિંમતનું તે મંગળસૂત્ર પાછું મળવાની આશા તેઓઍ છોડી દીધી હતી. પરંતુ કહેવાય છે ને કે, પ્રામાણિક માણસો આજે પણ છે. આજરોજ અચાનક ડો. નીરજભાઈ બારીઆના ઘર પાસે સાફ-સફાઈ દરમિયાન આ ખોવાયેલું મંગળસૂત્ર મળી આવ્યું હતું. ડોક્ટરઍ કોઈ પણ લોભ લાલચ વગર તાત્કાલિક તે યુવતીનો સંપર્ક કરી, પુરાવા સાથે તે કિંમતી ઘરેણું સહીસલામત પરત કર્યું હતું. ઘરેણું પરત મળતા યુવતી અને તેના પરિવારની ખુશીનો કોઈ પાર ન રહ્ના. તેમણે ડો. નીરજભાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ડો. નીરજભાઈ બારીઆના આ પ્રામાણિક કાર્યને લઈને સમગ્ર નારગોલ ગામમાં તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ કિસ્સો સમાજ માટે ઍક ઉત્તમ ઉદાહરણ છે કે આજે પણ ઈમાનદારી જીવંત છે. ગામના સરપંચ સ્વીટી ભંડારી ઍ ડો. નીરજભાઈ બારીઆની પ્રામાણિકતાને બિરદાવી હતી.
---