Damanganga Times.

Damanganga Times.

August 28, 2026

વલસાડમાં દબાણ હટાવવાની કાર્યવાહીથી વેપારીઓમાં રોષ

વલસાડમાં દબાણ હટાવવાની કાર્યવાહીથી વેપારીઓમાં રોષ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે. ખાસ કરીને આગામી રક્ષાબંધન સહિતના તહેવારોને ધ્યાને રાખી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે હેતુથી વલસાડ નગરપાલિકા અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, આ ઝુંબેશ દરમિયાન શહેરના ભીડભંજન મહાદેવ મંદિર રોડ પર પાલિકાની દબાણ શાખાની કાર્યવાહીને પગલે વાતાવરણ ગરમાયું હતું. તહેવારના દિવસોમાં બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે, જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા વલસાડ નગરપાલિકાની ઍન્ક્રોચમેન્ટ (દબાણ શાખા) ટીમ અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગો પરથી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાર્યવાહી અંતર્ગત ભીડભંજન મંદિર રોડ પર લારીઓ ઊભી રાખનારા તેમજ નીચે બેસીને પાથરણાં પાથરી ધંધો કરતા નાના વેપારીઓને અટકાવી માલસામાન હટાવવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વેપારીઓનું કહેવું હતું કે, વર્ષના મુખ્ય તહેવાર ટાણે જ આવી આકરી કાર્યવાહી થવાથી તેમની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે. બીજી તરફ, પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા  માર્ગો પર થતા દબાણોને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કડક પગલાં ભરવામાં આવી રહ્ના છે.