વલસાડની મહિલા પણ નેપાળના પુરમાં હજુ લાપતા
- byDamanganga Times
- 28 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ નેપાળમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે વલસાડના હાલર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઈંટવાલાની પુત્રી રોમા ઈંટવાલાનો છેલ્લા કેટલાક દિવસોથી પરિવાર સાથે સંપર્ક તૂટી જતાં પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે.
રોમા ઈંટવાલા ૨૨ મી ઓગસ્ટ ઍ વલસાડથી મુંબઈ ગયા બાદ ૬૨ પ્રવાસીઓના ગ્રૂપ સાથે હવાઈ માર્ગે કાઠમંડુ (નેપાળ) પહોંચી હતી. ૨૫ તારીખે આ ગ્રૂપ નેપાળ-ચીન બોર્ડર તરફ આગળ વધવાનું હતું, પરંતુ તે જ દિવસની સાંજ બાદ પૂર અને ખરાબ હવામાનને કારણે તેમનો સીધો સંપર્ક થઈ શક્યો નથી.
અન્ય માધ્યમો દ્વારા મળતી પ્રાથમિક વિગતો અનુસાર રોમા સહિતનું આખું ગ્રૂપ સલામત હોવાની જાણ થઈ છે, પરંતુ સીધો ટેલિફોનિક સંપર્ક હજુ સુધી થઈ શક્યો નથી.
ચિંતાગ્રસ્ત પરિવારે સરકાર સમક્ષ નેપાળમાં ફસાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત અને હેમખેમ પરત લાવવા માટે તાત્કાલિક મદદની માંગ કરી છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પણ ઍલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટર સતત પરિવારના સંપર્કમાં રહી સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્ના છે.
નેપાળમાં ફસાયેલા જિલ્લાના અન્ય નાગરિકોની માહિતી અને મદદ માટે જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષ (કલેક્ટર કચેરી) દ્વારા હેલ્પલાઈન પણ કાર્યરત કરવામાં આવી છે.
