Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

ધરમપુર તા.પં.ની સામાજિક ન્યાય સમિતિની રચના રદ

ધરમપુર તા.પં.ની સામાજિક ન્યાય સમિતિની રચના રદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૬ ઃ ધરમપુર તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની રચનાને લઈને થયેલી રજૂઆતના પગલે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે અગાઉની સમિતિની રચના રદ કરવાનો હુકમ કર્યો છે. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૨૪૯(૪) હેઠળ ખાસ સામાન્ય સભાના કામ નં. ૦૪ના ઠરાવ ક્રમાંક ૦૫ને પ્રતિષેધ કરી રદ કરવામાં આવ્યો છે. સાથે જ નિયમો મુજબ ૩૦ દિવસમાં નવી સમિતિ રચવા આદેશ અપાયો છે.
ધરમપુર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના પાંચ સભ્યોઍ તા. ૨૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ ડીડીઓને રજૂઆત કરી હતી. જેમાં સામાજિક ન્યાય સમિતિમાં વાલ્મીકી (સફાઈ કામદાર) વર્ગના ઍક સભ્યનો સમાવેશ ન કરાયો હોવાનો મુખ્ય મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સંબંધિત નિયમો મુજબ સમિતિમાં વાલ્મીકી વર્ગના સભ્ય સહિત અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્યો તથા ઍક મહિલા સભ્યનો સમાવેશ કરવાની જોગવાઈ છે. ડીડીઓના હુકમ મુજબ અનુસૂચિત આદિજાતિની મહિલા સભ્યની નિમણૂક યોગ્ય હતી, પરંતુ વાલ્મીકી વર્ગના સભ્યનો સમાવેશ ન થવાની બાબત પ્રથમ દૃષ્ટિઍ નિયમવિરુદ્ધ જણાઈ હતી.
  આ અંગે વિરોધ પક્ષના નેતા દેવું મોકાસીઍ જણાવ્યું હતું કે સમિતિની રચના સમયે વિરોધ પક્ષે પણ પોતાના સભ્યોનો સમાવેશ કરવાની રજૂઆત કરી હતી, પરંતુ તેને માન્ય રાખવામાં આવી નહોતી. આ અંગે ડીડીઓને લેખિત રજૂઆત કરાતા હવે સમિતિ રદ કરવાનો હુકમ થયો છે. આગામી સમિતિમાં નિયમ મુજબ યોગ્ય સભ્યોનો સમાવેશ કરવાની માંગ તેમણે કરી છે તે ઉપરાંત તાલુકા કોંગ્રેસ મહામંત્રી મુફીદ પઠાણે જણાવ્યું હતું કે અગાઉની સમિતિમાં ઍસસી સમાજના સભ્યનો સમાવેશ ન થતાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરી ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી. હવે સમિતિ રદ કરવાનો હુકમ થયો છે. આગામી રચનામાં નિયમ મુજબ ઍસસી સમાજને પ્રતિનિધિત્વ નહીં મળે તો ફરી ઉચ્ચ કક્ષાઍ રજૂઆત કરવાની ચીમકી તેમણે આપી હતી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ પટેલે આક્ષેપ કર્યો હતો કે અગાઉની સમિતિમાં ઍસસી સમાજના સભ્યને નિયમ મુજબ સ્થાન આપવામાં આવ્યું નહોતું. આ અંગે ડીડીઓને રજૂઆત બાદ સમિતિ રદ કરી નવી સમિતિ રચવાનો હુકમ થતાં ધરમપુર કોંગ્રેસે ડીડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે ડીડીઓના હુકમ મુજબ ૩૦ દિવસમાં નિયમોનુસાર નવી સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની રહેશે, ત્યારે નવી સમિતિમાં કયા સભ્યોને સ્થાન મળે છે તેના પર સૌની નજર રહેશે.