ધરમપુરમાં કવિ વીર નર્મદની જન્મજયંતિની ઉજવાઈ
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૪ ઃ વીર કવિ, સમાજ સુધારક અને ગદ્ય સાહિત્યકાર નર્મદાશંકર લાલશંકર દવેની ૧૯૩મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નર્મદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય સાથે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વીર નર્મદનો જન્મ ૨૪ ઓગસ્ટ, ૧૮૩૩ના રોજ સુરત ખાતે થયો હતો. ગુજરાતી સાહિત્ય અને સમાજ સુધારણાના ક્ષેત્રે તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્નાં છે. અંધશ્રદ્ધા, કુરિવાજો અને સામાજિક અસમાનતા સામે તેમણે નિર્ભયતાથી અવાજ ઉઠાવી સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું હતું.
‘દાંડિયો’ સામયિકના માધ્યમથી પણ તેમણે સાહિત્ય અને સમાજ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. ‘નર્મકોશ’, ‘કબીરવડ’, ‘પ્રેમનીતિ’, ‘નડાખ્યાન’ સહિતની તેમની કૃતિઓ ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર છે. તેમનું ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્ય આજે પણ ગુજરાતની અસ્મિતાનું પ્રતીક છે. કાર્યક્રમમાં ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયંકભાઈ મોદી, લાઇબ્રેરી ચેરમેન દીપમાલાબેન ચોનકર, બાંધકામ સમિતિના ચેરમેન સમીપભાઈ રાંચ, મહેકમ સમિતિના ચેરમેન ભક્તિબેન કાપડિયા, લાઇબ્રેરીના વરિષ્ઠ સભ્ય તથા અખબારોના ચર્ચાપત્રી રાયસિંગભાઈ વળવી, સાહિત્યપ્રેમી ફયસલભાઈ બકીલી, ભરતભાઈ પાટીલ સહિત લાઇબ્રેરીના સભ્યો, વાચકો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે ફયસલભાઈ બકીલીઍ લાઇબ્રેરીમાં નિયમિત વાંચન કરતા ૧૦૦થી વધુ યુવાનોને વીર નર્મદના જીવન અને સમાજ સુધારણાના કાર્યો અંગે માહિતી આપી હતી. તેમણે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યનું પણ નિયમિત વાંચન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાહિત્યનું વાંચન જ્ઞાન સાથે ભાષા, સંસ્કાર અને સમાજ પ્રત્યેની સમજ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે ધરમપુરની નારણદેવજી લાઇબ્રેરી ખાતે વીર કવિ નર્મદના સાહિત્યિક અને સમાજ સુધારક વિચારોને યાદ કરી તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
