આહવામાં જુની અદાવતમાં ગ્રા.પં.ના સભ્ય પર હુમલો
- byDamanganga Times
- 25 August, 2026
સાપુતારા, તા.૨૪ ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જુની અદાવત અને સમાધાનની બાબતે થયેલી મનદુખમાં આહવા ગ્રામ પંચાયતનાં સભ્ય રાહુલભાઈ બચ્છાવ પર જીવલેણ હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે આહવા ઈન્દિરા કોલોની ખાતે રહેતા અને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે સેવા આપતા રાહુલભાઈ પોપટભાઈ બચ્છાવ નામના યુવકે આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મળતી વિગતો અનુસાર, ગત ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજના આશરે ૪ વાગ્યાના સુમારે રાહુલભાઈ પોતાના મોપેડ પર ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયા હતા. તે સમયે ત્યાં નજીકમાં આવેલા ચિકન સેન્ટર પાસે બેસેલા તેમના મિત્ર આસિફ શાહે તેમને બૂમ પાડીને બોલાવતા રાહુલભાઈ ત્યાં ગયા હતા.દરમિયાન, આહવા આંબાપાડા વિસ્તારમાં રહેતા આહવા તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને ભાજપાનાં આગેવાન નરેશભાઈ દૌલતભાઈ ગવળી ત્યાં આવી પહોંચ્યા હતા અને ગામમાં થતી વાતો અંગે ગાળો આપવા લાગ્યા હતા.અહી આહવા ગ્રામ પંચાયતનાં સભ્ય અને ભાજપાનાં આગેવાન ઍવા રાહુલભાઈ અને તેમના મિત્ર આસિફ શાહે ગાળો આપવાની ના પાડતા, ઉશ્કેરાયેલા માજી પ્રમુખ નરેશભાઈ ગવળીઍ રાહુલભાઈને ગાલ પર તથા છાતીના ભાગે ઢોર માર માર્યો હતો.ત્યારબાદ નજીકમાં પડેલો વાંસનો દંડો ઉંચકી લાવી રાહુલભાઈના જમણા પગના અગાઉ ઓપરેશન થયેલા ભાગે સપાટો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
