Damanganga Times.

Damanganga Times.

August 24, 2026

ધમડાછા અંબિકા નદીમાં ડૂબતી યુવતીને ઉગારાઈ

ધમડાછા અંબિકા નદીમાં ડૂબતી યુવતીને ઉગારાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૩ ઃ ગણદેવી તાલુકાના ધમડાછા ગામે અંબિકા નદીના પૂલ ઓવારે શનિવારે સવારે દશામાંની મૂર્તિના વિસર્જન દરમિયાન ઍક યુવતી અકસ્માતે નદીમાં પડી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી યુવતીને વિસર્જન બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનો અને તરવૈયાઓઍ સમયસૂચકતા દાખવી સુરક્ષિત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો હતો.
પ્રા માહિતી મુજબ ભક્તો દશામાંની મૂર્તિના વિસર્જન માટે ધમડાછા ગામે અંબિકા નદીના ઓવારે પહોંચ્યા હતાં. દરમિયાન યુવતી અચાનક નદીમાં પડી ગઈ હતી અને અંબિકા નદીના તેજ પ્રવાહમાં તણાવા લાગી હતી. યુવતીને નદીમાં તણાતી જોઈ આસપાસના લોકોઍ બૂમાબૂમ કરતાં વિસર્જન સ્થળે હાજર પોલીસ તથા તરવૈયાઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા.
યુવતી નદીના પ્રવાહમાં ગળાડૂબ હાલતમાં હાથ-પગ હલાવી જીવન બચાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. તે દ્રશ્ય જોઈ તરવૈયાઓઍ સમય ગુમાવ્યા વિના નદીમાં ઝંપલાવ્યું હતું. આશરે ૧૧ જેટલા તરવૈયાઓ યુવતી સુધી પહોંચી ગયા હતાં અને ભારે જહેમત બાદ તેને ડૂબતી હાલતમાં બહાર કાઢી સુરક્ષિત કાંઠે લાવવામાં આવી હતી.
બાદમાં યુવતીને તાત્કાલિક સારવાર માટે અમલસાડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. સમયસર પોલીસ અને તરવૈયાઓઍ કામગીરી હાથ ધરતાં યુવતીનો જીવ બચી ગયો હતો. જોકે યુવતીનો પગ લપસી જતાં તે નદીમાં પડી હતી કે તેણે કોઈ કારણસર ધસમસતા પ્રવાહમાં ભૂસકો માર્યો હતો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. બનાવ અંગે ગણદેવી પોલીસે મોડી સાંજ સુધી કોઈ સત્તાવાર ફોડ પાડ્યો ન હતો.