Damanganga Times.

Damanganga Times.

August 24, 2026

વડખંભાથી જાગવેલ સુધી બિસ્માર માર્ગથી વાહન ચાલકો ત્રાહીમામ

વડખંભાથી જાગવેલ સુધી બિસ્માર માર્ગથી વાહન ચાલકો ત્રાહીમામ


 (દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે ધરમપુર થઈ વડખંભાથી જોગવેલ તરફ જાય છે અને આગળ નેશનલ હાઇવે-૮૪૮ સાથે જોડાય છે. આ માર્ગ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો તેમજ ભારે વાહનોની અવરજવર રહે છે. જોકે ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગની હાલત કથળી જતાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
વડખંભાથી જોગવેલ વચ્ચેના માર્ગ પર ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે. કેટલાક સ્થળોઍ ખાડા ઍટલા ઊંડા થઈ ગયા છે કે ભારે વાહનો પસાર થાય ત્યારે પણ મુશ્કેલી સર્જાય છે, જ્યારે બાઇકચાલકો માટે તો આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે.
વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા તેની ઊંડાઈનો અંદાજ ન આવતાં અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે.
 બિસ્માર રસ્તાના કારણે વાહનોમાં નુકસાન થવાની ઘટનાઓ પણ વધી રહી છે. માર્ગમાં વાહનો બગડી જતાં રસ્તા પર જ ઊભા રહી જાય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે માર્ગ પર પૂરતી દૃશ્યતા ન હોવાને કારણે ખાડાઓ નજરે ન પડતાં અકસ્માતની શક્યતા વધુ રહે છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઉદ્યોગ અને વેપારનું મજબૂત જોડાણ હોવાથી માલસામાનની હેરાફેરી માટે આ માર્ગનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ભારે વાહનોની સતત અવરજવરથી રસ્તાની હાલત વધુ ખરાબ થઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્ના છે.
સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનો દ્વારા માર્ગનું તાત્કાલિક નિરીક્ષણ કરી મસમોટા ખાડાઓનું પુરાણ કરવા તેમજ જરૂરી સ્થળોઍ માર્ગનું નવીનીકરણ કરવાની માંગ ઉઠી છે. ચોમાસા દરમિયાન માર્ગ વધુ જોખમી બને તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.