Damanganga Times.

Damanganga Times.

August 24, 2026

વાપીમાં ગાંધી ચોક પાસે બહાર આવેલા લોખંડના સળિયા દૂર કરાયા

વાપીમાં ગાંધી ચોક પાસે બહાર આવેલા લોખંડના સળિયા દૂર કરાયા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપીના મહાત્મા ગાંધી ચોક ખાતે છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદના કારણે રસ્તાની વચ્ચોવચ્ચ ખાડો પડી જતાં તેમાં રહેલા લોખંડના સળિયા અને ઍંગલો બહાર આવી ગયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેમજ વાહનોના ટાયરને નુકસાન થવાની પણ ભીતિ ઊભી થઈ હતી.
વાપીમાં નવા બની રહેલા રેલવે ઓવરબ્રિજના કામને કારણે માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરી સામે આવેલા ચાર રસ્તા પર મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. બાદમાં પ્રતિમા હટાવી દેવામાં આવતા તેના માટે બનાવવામાં આવેલા સ્ટ્રક્ચરના લોખંડના સળિયા અને ઍંગલો બહાર આવી ગયા હતા. થોડા સમય અગાઉ આ સ્થળને સિમેન્ટ-કોંક્રીટથી બંધ કરવામાં આવ્યું હતું. જોકે, તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે સિમેન્ટ-કોંક્રીટ ધોવાઈ જતાં ફરી ઍકવાર લોખંડના સળિયા અને ઍંગલો બહાર દેખાવા લાગ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય સર્જાયો હતો. આ બાબતની જાણ થતાં વાપી મહાનગરપાલિકાના હોદ્દેદારો અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે દિવસ સુધી રસ્તાના અસરગ્રસ્ત ભાગને બ્રેકર મશીનથી તોડી યોગ્ય રીતે રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની તાત્કાલિક કામગીરીને પગલે રસ્તો ફરી વ્યવસ્થિત બનતાં વાહનચાલકો અને રાહદારીઓઍ રાહતનો શ્વાસ લીધો છે.