વલસાડમાં બ્રિજ બન્યા બાદ જમીન સરકારી રેકર્ડમાં દાખલ કરાતાં તંત્ર સામે સવાલ
- byDamanganga Times
- 24 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ વલસાડ તાલુકાના વશિયર–નાનકવાડા ગામ નજીક આદિત્ય નગરમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો ઍક પુલ હાલ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યો છે.
લોકહિતના બદલે ભાજપના ઍક સ્થાનિક નેતા અને ખાનગી જમીન માલિક હર્ષદભાઈ કટારીયાની વાડી/જમીનને સીધો આર્થિક લાભ કરાવવા માટે જ આ ‘અજાયબી બ્રિજ’નું નિર્માણ કરાયું હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ પક્ષે મોરચો માંડ્યો હતો.
વલસાડના નનકવાડા ગામથી આદિત્ય નગર તરફ જતા રસ્તા પર ઍક ખાનગી મિલકતને જોડતો પુલ બનાવવા માટે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા પ્રમુખ તેમજ નાનકવાડા અને વશિયરગામના સરપંચો દ્વારા સરકારમાં ભલામણ પત્રો લખવામાં આવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો દ્વારા સર્વે કરાવીને સરકારી તિજોરીમાંથી આ બ્રિજ માટે રૂ. ૩.૮૦ કરોડ તથા પ્રોટેક્શન વોલ માટે રૂ.૮૦ લાખ મળી કુલ રૂ. ૪.૬૦ કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરાવી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી વ્યક્તિગત ફાયદો પહોંચાડવાના આ કથિત ભ્રષ્ટાચાર સામે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મિત દેસાઈ અને રાહીલ શેખ દ્વારા છેલ્લા ૧૧ દિવસથી ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસના આ આક્રમક આંદોલનને પગલે વહીવટી તંત્ર અને શાસક પક્ષમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
કોંગ્રેસના ઉગ્ર વિરોધ અને વિવાદ વકરતાં સરકારી તંત્રઍ કાયદાકીય ગૂંચ ઉકેલવા ઉતાવળે પગલાં ભર્યા છે. પ્રા સરકારી દસ્તાવેજ મુજબ, નોંધ નં. ૩૦૧૮ હેઠળ તારીખ ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ કાર્યપાલક ઇજનેર પંચાયત વિભાગના હુકમથી વશિયરગામના સર્વે નં. ૩૬૩, ૩૬૬, ૩૬૭ અને ૩૬૦ વાળી ખાનગી માલિકીની જમીનમાંથી પસાર થતા ઍપ્રોચ રોડ અંગેની જરૂરી જમીનને સરકારી દફતરે ઍન્ટ્રી પાડી લેવામાં આવી છે.
સ્થાનિક જાગૃત નાગરિકો અને વિપક્ષનો આક્ષેપ છે કે, જ્યારે સામાન્ય પ્રજાના રસ્તા કે પુલના કામો વર્ષો સુધી લટકેલા રહે છે, ત્યારે શાસક પક્ષના મળતિયાઓ માટે રાતોરાત કરોડોની ગ્રાન્ટ મંજૂર કરી જમીન સંપાદનની પ્રક્રિયા પુલ બન્યા પછી કરવામાં આવી રહી છે, જે અંગે તંત્રની બેધારી નીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતાં આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે.
