Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

કચીગામમાં જલારામ બાપાનું સદાવ્રત

કચીગામમાં જલારામ બાપાનું સદાવ્રત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ સંઘ પ્રદેશ દમણના કચીગામ ખાતે જલારામ બાપાના સદાવ્રત અંતર્ગત દર ગુરુવારે મહાપ્રસાદનું આયોજન સુધીરભાઈ દેસાઈ અને ભાસ્કરભાઈ વડોદરિયા દ્વારા કરવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિની શરૂઆત સુધીરભાઈ દેસાઈ પરિવાર દ્વારા સ્વતંત્ર સેનાની મનુભાઈ દેસાઈના કમ્પાઉન્ડમાં, કચીગામ-દમણ ખાતે પીઍસઍલ કંપની સામે આજથી બે વર્ષ પહેલાં તા. ૮-૮-૨૦૨૪ના રોજ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં માત્ર ૫૦ જેટલા વ્યક્તિઓ માટે મહાપ્રસાદની સેવા શરૂ કરવામાં આવી હતી. સમય જતાં આ સેવા પ્રવૃત્તિનો વ્યાપ સતત વધ્યો છે અને આજે દર ગુરુવારે અંદાજે ૫૫૦થી ૬૦૦ લોકો મહાપ્રસાદનો લાભ લઈ રહ્ના છે.
આ સદાવ્રતનું આયોજન સુધીરભાઈ મનુભાઈ દેસાઈ અને ભાસ્કરભાઈ કસ્તુરચંદ વડોદરિયા દ્વારા કરવામાં આવે છે. મહાપ્રસાદ માટેની રસોઈ બનાવવાની સેવા બીપીનભાઈ રાવલ દ્વારા કોઈપણ પ્રકારનું મહેનતાણું લીધા વિના વિનામૂલ્યે કરવામાં આવે છે. હાલમાં દર ગુરુવારે કચીગામ, વાપી તથા આસપાસના વિસ્તારોમાંથી લોકો જલારામ બાપાના સદાવ્રત સ્થળે પહોંચી શ્રદ્ધાપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરી રહ્ના છે. આ સેવાકાર્ય દ્વારા ધાર્મિક ભાવના સાથે સમાજસેવાનો સુંદર સંદેશ પણ પ્રસરાવવામાં આવી રહ્ના છે.
ઉલ્લેખનીય છે કે સુધીરભાઈ મનુભાઈ દેસાઈ સ્વતંત્ર સેનાની મનુભાઈ દેસાઈના પુત્ર છે અને દમણમાં ઉદ્યોગ ધરાવે છે અને સામાજિક તેમજ સેવાકીય ક્ષેત્રે  સંકળાયેલા છે. દેસાઈ પરિવાર દ્વારા છેલ્લા બે વર્ષોથી ચાલી રહેલી આ અન્નસેવા આજે અનેક લોકો માટે શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર બની છે. જોકે કેટલાક લોકો અહીં સેવાકીય પ્રવૃત્તિમાં મદદરૂપ થવા માટે દર ગુરુવારે વાપી શહેર થી આવે છે.