ગણદેવીનાં વેગામમાં દીપડો પાંજરે પુરાયો
- byDamanganga Times
- 19 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૮ ઃ ગણદેવી તાલુકાના વેગામ માં મંગળવાર સવારે પાંચ વર્ષ નો દીપડો પાંજરે પુરાયો હતો. બે દિવસ અગાઉ વાડીમાં ફણસ નાં વૃક્ષ ઉપર ભર બપોરે આરામ ફરમાવતો દેખાયો હતો. જે બાદ પાંજરું ગોઠવાયુ હતું.
ગણદેવી તાલુકામાં નદીઓ અને બાગાયતી વાડી ની ઠંડક વન્યપ્રાણીઓ માટે આશ્રય સ્થાન છે. ખોરાકની શોધમાં દીપડા રહેણાંક વિસ્તારો તરફ આવી રહ્ના છે. વેગામ ગામે પંચાયત ઓફિસ થી પૂર્વ વિસ્તારમાં જયેશ ધીરજલાલ નાયક (હાલ રહે. નવસારી) ની ચીકુ,આંબા વાડી આવેલી છે. અહીં ફણસ નાં વૃક્ષ ઉપર ભરબપોરે આરામ ફરમાતા દીપડા ને જોઈને શ્રમજીવીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જે અંગે સરપંચ ભુપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓઍ વન વિભાગ ને જાણ કરતા પાંજરું ગોઠવી મરઘાંનું મારણ મુકાયું હતું.
જેની લાલચમાં કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. જેને જોવા લોક ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગે દીપડાનો કબ્જો લઈ ઍંધલ વનડેપો માં રાખ્યો હતો. દીપડાનાં મેડિકલ પરીક્ષણ બાદ મોડી રાત્રે જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરાશે.
