ઉમરગામમાંં પાલિકાનું ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે સઘન ચેકિંગ
- byDamanganga Times
- 19 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૮ ઃ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે આરોગ્ય સમિતિ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે ઉમરગામમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, આરોગ્ય સમિતિના ચેરમેન સમીરભાઈ કંસારા, ઉપપ્રમુખ યોગેશભાઈ, સમિતિના સભ્યો તેમજ સફાઈ વિભાગના કર્મચારી અનિલભાઈની આગેવાની હેઠળ વલસાડથી આવેલા ફૂડ ઈન્સ્પેક્ટર સાથે શહેરની વિવિધ હોટલો, દુકાનો તથા ખાદ્યપદાર્થોના વેચાણ સ્થળોઍ તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન પનીર, ચીઝ, બટર, ઓઈલ સહિતના વિવિધ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને તેમાં ભેળસેળ થતી નથી ને તેની ચકાસણી કરવામાં આવી હતી. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય સમિતિ દ્વારા આગામી સમયમાં પણ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં દર મહિને નિયમિત ચેકિંગ હાથ ધરી ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવાયું હતું.
