બિલખાડીમાં તિરંગા વહેતાં જાવા મળ્યા
- byDamanganga Times
- 19 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાદ વાપીમાં રાષ્ટ્રધ્વજની ગરિમાને ઠેસ પહોંચવાનો બનાવ સામે આવ્યો છે. વાપી બિલખાડીમાં આજે અસંખ્ય તિરંગા ઝંડા પાણીમાં તરતા જોવા મળ્યા હતા. દેશભરની સાથે વાપી પંથકમાં પણ શાળા-કોલેજો, સરકારી, અર્ધ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા સાથે હર્ષોલ્લાસથી સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો. પરંતુ ઉજવણી પૂર્ણ થયા બાદ કેટલાક લોકો દ્વારા ઉપયોગમાં લીધેલા તિરંગા - ઝંડા ગમે તેમ ફેંકી દેવાયા હોવાનું અને બાદમાં કોઈ દ્વારા રસ્તા પરથી ઉઠાવી બિલખાડીમાં નાખી દેવાયા હોવાની ચર્ચા છે. આ દ્રશ્ય જોઈને ઍક જાગૃત નાગરિકે માનવતા અને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેઓ તરત જ ખાડીમાં ઉતર્યા અને હાથમાં આવે તેટલા તમામ ભીના તિરંગા-ઝંડા ઍકત્ર કરી બહાર કાઢ્યા હતાં. આ ઘટનાઍ રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવાના નિયમોનું પાલન ન થતું હોવાનો સવાલ ઉભો કર્યો છે. તંત્ર અને સંસ્થાઓ દ્વારા ઉજવણી બાદ ધ્વજના યોગ્ય નિકાલ માટે જાગૃતિ અભિયાન ચલાવવાની માંગ ઉઠી છે.
