‘અમે બચવાની આશા છોડી દીધી હતી’ ‘કોસ્ટગાર્ડે અમને જીવતદાન આપ્યું’
- byDamanganga Times
- 19 August, 2026
(દમણગંગાટાઈમ્સ પ્રતિનીધ)
વલસાડ, તા. ૧૮ ઃ સંઘપ્રદેશ દમણ કોસ્ટગાર્ડ દ્વારા વલસાડના દાંતી નજીક મધદરિયે સંકટમાં મુકાયેલા નવસારીની ઍક બોટના ૯ માછીમારોને સહીસલામત બચાવી લેવામાં આવ્યા છે. હેલિકોપ્ટર દ્વારા હાથ ધરાયેલા આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનને કારણે તમામ માછીમારોના જીવ બચી ગયા છે. નવસારીની ‘જય માલા’ નામની માછીમારી બોટ ૯ ખલાસીઓ સાથે ક્રિષ્નાપુરથી ઓખા બંદર જવા નીકળી હતી. આ દરમિયાન ધોલાઈ બંદરથી આશરે બે નોટિકલ માઈલ દૂર વલસાડના દાંતી નજીક પહોંચતા બોટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ખામીના કારણે બોટમાં ઝડપથી દરિયાનું પાણી ભરાવા લાગતાં બોટ ડૂબવાની સ્થિતિમાં મુકાઈ ગઈ હતી અને તમામ ૯ માછીમારોના જીવ જોખમમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દમણ કોસ્ટગાર્ડનું ચેતક હેલિકોપ્ટર તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડની ટીમે મધદરિયે પહોંચી ભારે જહેમત બાદ તમામ માછીમારોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું.
કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી પ્રથમ ૬ માછીમારોને સલામત રીતે બચાવી વલસાડના દાંતી દરિયાકિનારે ઉતારવામાં આવ્યા હતા. જયારે બોટ પરના ત્રણ માછીમારો ત્યાંથી જવા માટે તૈયાર ન હતા. કોસ્ટ ગાર્ડ ટીમે તેમની સલામતીના ડરથી તેમને બોટ છોડી દેવા માટે સમજાવ્યા. ત્યારબાદ, ત્રણેય માછીમારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા અને દમણ લાવવામાં આવ્યા હતાં. દમણ પહોંચ્યા પછી, કોસ્ટ ગાર્ડના ડૉક્ટરે ત્રણેય માછીમારોના સ્વાસ્થ્યની તપાસ કરી. તેઓ સુરક્ષિત મળી આવ્યા પછી, તેમને નવસારી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી બાબતે દમણ કોસ્ટગાર્ડના ચેતક હેલિકોપ્ટરના પાયલોટ બલવિંદર સિંગે જણાવ્યું હતું કે બોટ ડૂબવાની સ્થિતિમાં હોવાની માહિતી મળતાં જ અમે તાત્કાલિક ચેતક હેલિકોપ્ટર સાથે પહોંચ્યા હતા અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે તમામ ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા છે. જયારે ઉગારવામાં આવેલા માછીમારો પૈકીના ઍક દિપક ટંડેલે જણાવ્યુ઼ હતું કે બોટમાં પાણી ભરાઈ જતાં અમે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને જીવ બચવાની આશા છોડી દીધી હતી, પરંતુ કોસ્ટગાર્ડે સમયસર આવીને અમારો નવો જન્મ કરાવ્યો છે.
