નાનાપોંઢા તા.પં.ની સામાન્ય સભા મળી
- byDamanganga Times
- 17 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૬ ઃ નાનાપોંઢા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પ્રમુખ મનીષાબેન પટેલની અધ્યક્ષતામાં પંચાયત હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં તાલુકાના વિકાસકામો, સરકારી ગ્રાન્ટ અને આગામી વિકાસ આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.સભામાં ૧૬મા નાણા પંચ હેઠળ મળનારી ગ્રાન્ટના આયોજન તેમજ અગાઉની સમિતિઓ અને સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. તાલુકાના વિવિધ વિસ્તારોમાં જરૂરી વિકાસકામોનું આયોજન વહેલી તકે રજૂ કરવા સભ્યોને જણાવાયું હતું. વિકાસકામો દરમિયાન ઍક જ કામનું ડુપ્લિકેશન ન થાય તે માટે અધિકારીઓ અને સભ્યોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળ ઓછામાં ઓછા રૂ. ૬ લાખના વિકાસકામોનું આયોજન કરી શકાશે તેવી માહિતી આપવામાં આવી હતી.
ગામોની જરૂરિયાત મુજબ વિકાસકામોને પ્રાથમિકતા આપી સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તે અંગે ભાર મૂકાયો હતો. દરમિયાન તાજેતરના પૂર સમયે લોકોની મદદ માટે આગળ આવેલા તાલુકાના યુવાનો, ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યોનો ટીડીઓ પ્રીતેશભાઈ બારિયાઍ આભાર વ્યક્ત કર્યો હતો. બેઠકમાં તાલુકાના વિકાસકામો સમયસર પૂર્ણ થાય અને સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે અંગે ચર્ચા સાથે સામાન્ય સભા પૂર્ણ થઈ હતી.
