બાલચોંડીમાં રૂ. ૨.૪૩ કરોડની અદ્યતન સરકારી શાળાનું લોકાર્પણ
- byDamanganga Times
- 17 August, 2026
(દમણગંગા ટાઇમ પ્રતિનિધિ)
ચીવલ, તા.૧૬ ઃ વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના બાલચોંડી ગામે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વના શુભ દિવસે રૂ. ૨.૪૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલી અદ્યતન સરકારી પ્રાથમિક શાળાનું આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા.
મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, બાલચોંડીની આ શાળાને ૧૦૯ વર્ષ પૂર્ણ થયા છે. અગાઉ લોકોના દાન અને ફાળાથી શાળાઓ શરૂ થતી હતી, જ્યારે આજે રાજ્ય સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. આ શાળાના નિર્માણ માટે રૂ. ૧.૬૩ કરોડ અને કંપાઉન્ડ વોલ સહિત અન્ય સુવિધાઓ માટે રૂ. ૮૦ લાખ ફાળવવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારી શાળાઓમાં સુવિધાઓ વધતા ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને ખાનગી શાળામાંથી અનેક બાળકો ફરી સરકારી શાળામાં પરત ફરી રહ્ના છે, જે વાલીઓનો સરકારી શિક્ષણ પ્રત્યે વધતો વિશ્વાસ દર્શાવે છે. હવે સંખ્યા સાથે શિક્ષણની ગુણવત્તા ઉપર ભાર મૂકવાનો સમય છે.
શાળાના આચાર્ય મિતેષભાઈ પટેલે જણાવ્યું કે, બાલવાટિકાથી ધોરણ-૮ સુધી કુલ ૨૬૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ૯ વર્ગખંડ, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, રમતગમતનું મેદાન, મધ્યાહન ભોજન શેડ, બાગ-બગીચા સહિતની સુવિધાઓ છે તથા ૧૦ શિક્ષકો ફરજ બજાવે છે. પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા.
