Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

સેલવાસમાં દમણગંગા કિનારે સેલ્ફીના ચક્કરમાં કિશોરી તણાઈ, ડૂબી જતાં મોત

સેલવાસમાં દમણગંગા કિનારે સેલ્ફીના ચક્કરમાં કિશોરી તણાઈ, ડૂબી જતાં મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૬ ઃ  સેલવાસમાં દમણગંગા નદીના કિનારે ચેકડેમ નજીક શનિવારે પરિવાર સાથે ફરવા આવેલી ૧૫ વર્ષની કિશોરી સેલ્ફી લેવાના પ્રયાસ દરમિયાન નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. પગ લપસતાં તે નદીના તેજ પ્રવાહમાં વહી ગઈ હતી. રવિવારે સવારે ઘટનાસ્થળથી આશરે ૫૦૦ મીટર દૂર પથ્થરો વચ્ચે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગની ગોતાખોર ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો.
મૃતકની ઓળખ કાજલ કુમારી (ઉં.વ. ૧૫) તરીકે થઈ છે. કાજલ હાલ મસાટ ખાતે રહેતી હતી અને મૂળ બિહારની વતની હતી. મળતી માહિતી મુજબ કાજલ પરિવાર સાથે દમણગંગા નદીના કિનારે ફરવા આવી હતી. આ દરમિયાન તે નદીની વચ્ચે આવેલા ઍક પથ્થર પર ઊભી રહી મોબાઇલથી સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહી હતી. અચાનક પગ લપસતાં તે ધસમસતા પાણીમાં પડી હતી અને પાણીના પ્રવાહ સાથે તણાઈ ગઈ હતી. ઘટનાને નજરે જોનારા લોકોઍ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તરવૈયાઅો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને નદીમાં શોધખોળ શરૂ કરી હતી. શનિવારે મોડી સાંજ સુધી શોધખોળ કરવા છતાં કાજલનો પત્તો લાગ્યો નહોતો. રવિવારે સવારે ચેકડેમથી આશરે ૫૦૦ મીટર દૂર પથ્થરો વચ્ચે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાઍ દમણગંગા રિવરફ્રન્ટની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. રિવરફ્રન્ટ વિસ્તાર પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આવે છે. અહીં પોલીસ કર્મચારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ મર્યાદિત પોલીસ સ્ટાફ માટે મોટી સંખ્યામાં આવતા લોકો પર સતત નજર રાખવી મુશ્કેલ બને છે.
આવા સંજોગોમાં સવાલ ઍ ઊભો થાય છે કે ચોમાસા દરમિયાન નદીના જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ, બેરિકેડિંગ તથા જોખમી વિસ્તારોમાં અસ્થાયી પ્રવેશ પ્રતિબંધ જેવા આગોતરા સુરક્ષા પગલાં લેવામાં આવવા જોઈઍ કે નહીં. જ્યાં આ દુર્ઘટના બની ત્યાં લોકોને નદી અને પથ્થરો સુધી પહોંચતા રોકવા માટે પૂરતી ભૌતિક બેરિકેડિંગ ન હોવાની માહિતી સામે આવી છે.
 રિવરફ્રન્ટ પરની સીસીટીવી સર્વેલન્સ વ્યવસ્થા પણ પૂરના કારણે પ્રભાવિત થઈ હોવાની માહિતી છે. કેટલાક સીસીટીવી કેમેરા ક્ષતિગ્રસ્ત અથવા બંધ હોવાના કારણે નજર રાખવાની વ્યવસ્થામાં પણ ખામી ઊભી થઈ શકે છે. પોલીસ પેટ્રોલિંગ મહત્વનું છે, પરંતુ ધસમસતા પાણીવાળા નદી વિસ્તારમાં માત્ર પોલીસ કર્મચારીઓની તૈનાતીથી દરેક વ્યક્તિને જોખમી વિસ્તારમાં જતા રોકવું વ્યવહારિક રીતે મુશ્કેલ છે. આવા સ્થળોઍ ભૌતિક બેરિકેડિંગ અને સ્પષ્ટ ચેતવણી બોર્ડ લોકો માટે વધારાની સુરક્ષા પૂરી પાડી શકે છે. કાજલના મોત બાદ ચોમાસા દરમિયાન દમણગંગા રિવરફ્રન્ટ માટે અલગ મોનસૂન સેફટી પ્રોટોકોલની જરૂરિયાત પર સવાલો ઉભા થયા છે. જોખમી જળસ્તર દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવેશ નિયંત્રિત કરવો, ચેતવણી બોર્ડ લગાવવા, બેરિકેડિંગ કરવું અને પૂરથી પ્રભાવિત સીસીટીવી વ્યવસ્થાને તાત્કાલિક કાર્યરત કરવી જેવા પગલાં અંગે તંત્રઍ વિચાર કરવાની જરૂર છે.