બીલીમોરામાં ‘તિરંગા રેલી’ યોજાઈ
- byDamanganga Times
- 14 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૩ ઃ દેશના ૮૦માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદીજીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા દેશવ્યાપી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બુધવારે બીલીમોરા શહેરમાં ઍક અદ્ભુત અને અભૂતપૂર્વ દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. આપણી ઍકતા અને ગૌરવના પ્રતીક ઍવા રાષ્ટ્રધ્વજને ઘર-ઘરે લહેરાવવાના સંદેશ સાથે યોજાયેલી ભવ્ય રેલીમાં બે હજારથી વધુ ઉત્સાહી દેશપ્રેમીઓ જોડાયા હતા. બુધવાર સવારે બીલીમોરા કોલેજ ખાતેથી શરૂ થયેલી રેલીનું મુખ્ય આકર્ષણ ૭૫ મીટર લાંબો વિશાળ તિરંગો હતો. ભારત માતા અને સ્વતંત્રતા સેનાનીઓની મનોહર વેશભૂષામાં સજ્જ બાળકો, ડીજે મ્યુઝિક સિસ્ટમ પર વાગતા શૌર્યગીતો અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ યાત્રા કોલેજથી પ્રસ્થાન થઈ ગૌરવપથ, રાજભોગ સર્કલ, ઍસ.ટી. ડેપો, જવાહર રોડ અને સ્ટેશન મસ્જિદ થઈને શિવાજી પ્રતિમા સ્થળે સંપન્ન થઈ હતી.વી. ઍસ. પટેલ કોલેજના સંકલનથી શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં દેશભક્તિ આધારિત ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વતંત્રતા સેનાનીઓ અને મહાનુભાવોના પાત્રમાં વિશેષ પ્રતિભા દર્શાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ટ્રોફી ઍનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ, જીગરભાઈ દેસાઈ, બીલીમોરા પાલિકા પ્રમુખ મનીષ પટેલ, ચીફ ઓફિસર સંદીપ પટેલ, બીલીમોરા ભાજપ શહેર પ્રમુખ નીરવ ટેલર પટેલ, કારોબારી ચેરમેન પ્રગ્નેશ પટેલ, ડૉ. સનમ પટેલ, શાંતિલાલ પટેલ, ડૉ. રાજેન્દ્ર ગઢવી, આશુસિંગ લબાના, મનહર (મનાભાઈ) પટેલ, બીવીકે મંડળના ભરતભાઇ અમીન અને જસ્મીન દેસાઈ, બીલીમોરા પીઆઇ અશ્વિન સરવૈયા સહિત ઍન.સી.સી. કેડેટ્સ, પાલિકા કર્મચારીઓ, શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. સમગ્ર માર્ગ પર દૂર-દૂર સુધી લહેરાતા તિરંગા અને ગૂંજતા દેશભક્તિના નારાઓઍ સ્વતંત્રતા પર્વ પહેલાં જ શહેરમાં ભારે ઉત્સાહ ફેલાવી દીધો હતો.
