વલસાડમાં ચીફ અોફિસરના નામે લેભાગુ તત્વો ચરવા માંડયા
- byDamanganga Times
- 14 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલી અક્ષરધામ સોસાયટીમાં ઍક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ના ખોટા નામે સોસાયટીની સ્ટ્રીટ લાઈટો કાપી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સોસાયટીના જાગૃત રહીશો આજરોજ નગરપાલિકા માં મોરચો માંડી રજૂઆતના પગલે સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો છે.
વલસાડ જિલ્લામાં ૨૩મી જુલાઈના રોજ ભારે વરસાદના પગલે આવેલા પૂરના કારણે ભારે નુકસાન થવા પામ્યું હતું.જેમાં વલસાડના મોગરાવાડીમાં આવેલ અક્ષરધામ સોસાયટીની પાછળ આવેલી દીવાલ તૂટી ગઈ હોવાથી અવારનવાર સાપ, અજગર જેવા ઝેરી અને જંગલી જીવો સોસાયટીમાં આવી ચડતા હોય છે. રહીશોની સુરક્ષા અને અંધારાના ભયથી બચવા માટે સ્થાનિકોઍ પોતાના ખર્ચે અને પ્રયાસોથી સ્ટ્રીટ લાઈટો લગાવી હતી.
પરંતુ, ગત દિવસે કેટલાક શખ્સો સોસાયટીમાં આવીને ચીફ ઓફિસરનો ઓર્ડર છે તેવું બહાનું બતાવીને આ સ્ટ્રીટ લાઈટો કાપવા લાગ્યા હતા. આ ઘટનાથી અજાણ રહીશોઍ તાત્કાલિક ઍકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો અને બાબત શંકાસ્પદ જણાતાં મોટી સંખ્યામાં રહીશો નગરપાલિકા કચેરી ઍ મોરચો માંડ્યો હતો. સોસાયટીના રહીશોઍ જ્યારે પાલિકા ચીફ ઓફિસર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી, ત્યારે અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી હતી કે પાલિકા દ્વારા લાઈટ કાપવાનો આવો કોઈ જ આદેશ આપવામાં આવ્યો નથી અને કોઈ અસામાજિક કે અનધિકૃત વ્યક્તિઍ ખોટી અરજી આપીને આ કારસો રચ્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ચીફ ઓફિસરે તુરંત જ લાઈટ કાપવા ગયેલા જવાબદારોને આકરા શબ્દોમાં ફટકારી, સોસાયટીની તમામ કાપી નાખેલી લાઈટો તાત્કાલિક ધોરણે પૂર્વવત્ લગાવીને ચાલુ કરી દેવાનો આદેશ આપ્યો છે. પાલિકાના કડક વલણ બાદ સોસાયટીના રહીશોઍ રાહતનો શ્વાસ લીધો છે.
