Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

છીરીમાં જુની અદાવતે મહિલા-દીકરી ઉપર ચાર ઈસમોનો હુમલો

છીરીમાં જુની અદાવતે મહિલા-દીકરી ઉપર ચાર ઈસમોનો હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૩ ઃ વાપીના હિરા નગર, છીરી ખાતે રહેતી ઍક મહિલા અને તેની દીકરી પર જૂના ઝઘડાની અદાવત રાખીને ઍક જ બિલ્ડિંગમાં રહેતા ૪ લોકોઍ હુમલો કરી મારઝૂડ કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વાપી પોલીસ મથકે ૪ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ રાજશ્રીદેવી રામભવન યાદવ નામની મહિલા પરિવાર સાથે આર.બી. બિલ્ડીંગ, રૂમ નં. ૨૦૭, હીરા નગર છુરીમાં  રહે છે. તા. ૧૨/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૯ૅં૧૭ વાગ્યાના સુમારે તેમની દીકરી ઘરના ઓટલા ઉપર કપડા સૂકવી રહી હતી. તે દરમિયાન બીજા માળે રહેતી સાનિયા સદ્દામહુસેન ખાતુન નીચે આવીને દીકરીને જોવા લાગી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
થોડીવારમાં સાનિયાઍ તેના ઘરના સભ્યોને બોલાવી લાવી ફરિયાદીના ઘરે આવી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ફરિયાદનો આક્ષેપ છે કે આ દરમિયાન સાનિયાના મામા શાહબુદ્દીન મોહમ્મદનૈમ મીયાઍ તેમને પકડી લીધા હતા. જ્યારે સાનિયા અને રુક્સાર મોહમ્મદનૈમ મીયાઍ લાકડા અને મુક્કાથી માર માર્યો હતો. ત્યારબાદ સાનિયાની માતા શબનમ સદ્દામહુસેન ખાતુને વાળ પકડીને નીચે પાડીને પણ માર માર્યો હતો.
બનાવ દરમિયાન બિલ્ડિંગના અન્ય લોકો ભેગા થઈ જતા આરોપીઓઍ ફરિયાદીને વધુ માર મારતા બચાવી લીધા હતા. જતા-જતા આરોપીઓઍ બીજીવાર મળશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હોવાનો આક્ષેપ છે. આ અંગે ફરિયાદીઍ પોતાના ઓળખીતા સાથે વાપી ડુંગરા પોલીસ મથકે પહોંચી શાહબુદ્દીન મોહમ્મદનૈમ મીયા, સાનિયા સદ્દામહુસેન ખાતુન, રુક્સાર મોહમ્મદનૈમ મીયા અને શબનમ સદ્દામહુસેન ખાતુન ઍમ ૪ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગાળો આપવા, મારમારી અને ધમકી આપવાના ગુનામાં તપાસ હાથ ધરી છે.