વલસાડના હાલર ગૌરવપથ પર ડી.જે. અને ઘોંઘાટ સામે વહીવટી તંત્ર મૌન !
- byDamanganga Times
- 14 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ શહેરના હાલર ગૌરવપથ વિસ્તારને ‘સાયલેન્સ ઝોન’ જાહેર કરાયાને ૧૩-૧૩ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં, આજે પણ ત્યાં નિયમોના ધજાગરા ઊડી રહ્ના છે. વલસાડની જાણીતી હોસ્પિટલના મહિલા તબીબ ડૉ. શૈલજા મહસ્કર દ્વારા વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ડૉ. શૈલજા મહસ્કરના જણાવ્યા મુજબ, ગૌરવપથ ‘સાયલેન્સ ઝોન’ હોવા છતાં આ રસ્તા પરથી?ગણેશ ઉત્સવ દરમિયાન આગમન અને વિસર્જનના મોટા અવાજે વાગતા ડી.જે., શાળા-કોલેજોની રેલીઓ લગ્નપ્રસંગોના વરઘોડા અને અન્ય ધાર્મિક કે સામાજિક સરઘસો બિન્દાસપણે ઘોંઘાટ સાથે પસાર થાય છે, જેનાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે.
આ મુદ્દાને લઈને મહિલા તબીબે વલસાડ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના તમામ જવાબદાર વિભાગોમાં વારંવાર લેખિત રજૂઆતો કરી છે. છતાં પણ આજદિન સુધી કાગળ પરના આ ‘સાયલેન્સ ઝોન’ના નિયમનો ભંગ કરનારાઓ સામે કોઈ જ કાયદાકીય કાર્યવાહી કે ફરિયાદ નોંધવામાં આવી નથી.
સ્થાનિક રહીશો અને હોસ્પિટલ તંત્ર હવે સવાલ ઉઠાવી રહ્ના છે કે દર વખતે ચૂંટાઈ આવતા ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્રને શું આ સ્થિતિની જાણ જ નથી? જો જાહેર કરાયેલા ‘સાયલેન્સ ઝોન’નું પાલન કરાવવાની તાકાત વહીવટી તંત્ર પાસે ન હોય, તો પછી આવા કાગળિયા નિર્ણયો કરવાનો અર્થ શો , માંગ છે કે દર્દીઓ અને નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ગૌરવપથ પર ઘોંઘાટ કરતા ડી.જે. અને અવાજ પ્રદૂષણ સામે તાત્કાલિક ધોરણે કડક પગલાં ભરવામાં આવે.
