વાપીમાં ચાલુ વરસાદે ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ
- byDamanganga Times
- 14 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપીમાં જિલ્લા વહીવટી તંત્ર અને વાપી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચાર કિલોમીટર લાંબી યાત્રામાં ભર વરસાદ વચ્ચે પણ ૨૫ શાળાના ૩,૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો મળી કુલ ૪,૫૦૦થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
શ્યામજી કૃષ્ણ વર્મા ચોકથી સવારે ૯ વાગ્યે પ્રારંભ થયેલી તિરંગા યાત્રાને મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોઍ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા વંદે માતરમ ચોક, રોટરી સર્કલ અને માં ફાઉન્ડેશન સર્કલ થઈ શહીદ પ્રેમકુમાર પાટીલ ઉદ્યાન ખાતે પૂર્ણ થઈ હતી.
યાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર વાપીવાસીઓઍ ઠેરઠેર પુષ્પવર્ષા કરી યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘જય હિંદ’ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાપી ગુંજી ઉઠ્યું હતું. વરસાદની પરવા કર્યા વિના હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને નગરજનોના ઉત્સાહથી સમગ્ર શહેર તિરંગામય બની ગયું હતું.પોલીસ બેન્ડ, ઘોડેસવાર જવાનો અને બુલેટ રાઈડર્સે વધાર્યું આકર્ષણ
તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, ઘોડેસવાર પોલીસ જવાનો તેમજ બુલેટ રાઈડર્સની ટીમ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રધ્વજ સાથે આગળ વધતી યાત્રાઍ શહેરમાં રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ પ્રબળ બનાવી હતી.
વલસાડ જિલ્લામાં દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે યુવા પેઢી આઝાદીના મૂલ્યને સમજે તે માટે આ વર્ષે વાપીમાં યોજાયેલી યાત્રા સાથે ‘વંદે માતરમ’ ગીતની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની પણ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે, ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા બદલ વાપી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર અભિનંદનને પાત્ર છે. ભર વરસાદ વચ્ચે પણ વાપીવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના છે, જે રાષ્ટ્ર પ્રત્યેના તેમના અદમ્ય પ્રેમની સાક્ષી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ તિરંગાને માત્ર સરકારી કચેરીઓ અને વિશિષ્ટ સ્થળો પૂરતો મર્યાદિત ન રાખી સામાન્ય નાગરિક પણ ગૌરવ અને શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે તેવું વાતાવરણ ઊભું કર્યું છે. આ બદલ તેમણે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, વાપી મનપા કમિશનર ઍન.ઍફ. ચૌધરી, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાપીવાસીઓ જોડાયા હતા.
