વાપીમાં ડેવલપરોને ૪૦, જમીન ફાળવણી સામે વાંધો
- byDamanganga Times
- 14 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આગામી વર્ષોના આયોજનને ધ્યાને લઈ તૈયાર થનારા ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) અને ટાઉન પ્લાનિંગ સ્કીમ (ટીપી) અંગે જમીનમાલિકો, લેન્ડ ડેવલપરો, બિલ્ડરો તેમજ નગરજનોના અભિપ્રાય અને સૂચનો મેળવવા માટે વાપીના રોફેલ કોલેજના નામધા કેમ્પસ ખાતે આવેલા પદ્મશ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમ હોલમાં મહત્વપૂર્ણ બેઠક મા અનેક સુચનો વાધો સાથે યોજાઈ હતી.
વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન અને વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વાપીના ઍક ગામથી શરૂ થયેલા વિકાસથી લઈને નગર પંચાયત, નગરપાલિકા અને હવે મહાનગરપાલિકા સુધીની વિકાસયાત્રા તથા ભવિષ્યના વિકાસની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
બેઠકમાં વાપીના વર્ષ ૨૦૦૬માં ચલા-ડુંગરા વિસ્તારના સમાવેશ બાદ વર્ષ ૨૦૨૫માં વાપી તાલુકાના ૧૧ ગામોનો મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ અને વુડામાં પારડી તાલુકાના ટુકવાડા ગામના સમાવેશ સહિતના વિસ્તારોને ધ્યાને લઈ આગામી વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા, ડ્રેનેજ અને અન્ય સુવિધાઓના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલા ડીપી અને ટીપીના આયોજન અંગે જમીનમાલિકો, લેન્ડ ડેવલોપરો અને બિલ્ડરોઍ વિવિધ રજૂઆતો કરી હતી. મોટાભાગના રજૂઆતકર્તાઓઍ અગાઉથી જ રોડ, રસ્તા, ડ્રેનેજ, ર્પાકિંગ અને કોમન પ્લોટ સહિતની સુવિધાઓ માટે જમીનનો મોટો હિસ્સો ફાળવવામાં આવ્યો હોવાનું જણાવી હવે વધુ ૪૦ ટકા જમીન સરકારને ફાળવવાની જોગવાઈ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
જમીનમાલિકોઍ જણાવ્યું હતું કે, અગાઉ જે જમીનોનું ડેવલપમેન્ટ થયું છે તેમાં આશરે ૩૦ ટકા જેટલી જમીન વિવિધ જાહેર સુવિધાઓ માટે લેવામાં આવી છે. ત્યારે હવે વધુ ૪૦ ટકા જમીન ફાળવવાની સ્થિતિમાં જમીનમાલિકો અને ડેવલોપરો સામે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
બેઠકમાં ઍક જમીનમાલિકે વાપી શહેરને રહેણાંક, ઔદ્યોગિક અને કોમર્શિયલ ઍમ ત્રણ મુખ્ય ઝોનમાં વિભાજિત કરવાની રજૂઆત કરી હતી. જે વિસ્તારમાં જે પ્રકારની પરમિશન જાહેર કરવામાં આવી હોય તે મુજબ જ વિકાસની મંજૂરી આપવી જોઈઍ અને રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક તથા ઔદ્યોગિક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓને મંજૂરી આપવી યોગ્ય ન હોવાનું તેમણે જણાવ્યું હતું.
સાથે જ અગાઉ રાજ્યમાં મહાનગરપાલિકાઓની રચના થયા બાદ કેટલા સમય પછી ડીપી-ટીપીના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા તેની માહિતી પણ જાહેર કરવા માંગ કરવામાં આવી હતી.
બિલ્ડર જગદીશ ભાટુઍ અગાઉના જૂના વાપી ગામના નકશા અને હાલની સ્થિતિને ધ્યાને લઈ ડીપી અને ટીપી તૈયાર કરવાની જરૂરિયાત દર્શાવી હતી. જ્યારે વાપીના આર્કિટેક ઍન્જિનિયર અને કન્સલ્ટન્ટ મનીષ શાહે વરસાદી પાણીના નિકાલ માટે સુરત અને અમદાવાદની જેમ કેનાલ તથા કુદરતી ખાંચાઓને વિકસાવી તેના ઉપર રસ્તો બનાવવાની શક્યતા અંગે સૂચન કર્યું હતું. તેવી જ રીતે ઍક રજુઆતકર્યાઍ જણાવ્યું હતું કે વાપીમાં કુદરતી ખનકી અને કાનસ અને નહેર પર દબાણ થયું છે તે દુર કરવાની જરુર છે.
અશોકભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે વાપી શહેરનો વિકાસ થયો છે, પરંતુ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ૧૧ ગામડાઓમાં હજુ પૂરતો વિકાસ થયો નથી. તેથી નવા વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધાઓ અને આયોજનબદ્ધ વિકાસ પર ભાર મૂકવો જરૂરી છે.
બેઠકમાં વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારના તમામ રેવન્યુ રેકોર્ડ અને નકશાઓ ઍકત્ર કરીને સમગ્ર વિસ્તારને આવરી લેતો વ્યવસ્થિત વિકાસ નકશો તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. વાપીમાં ક્યાંક ૨૪ મીટર પહોળા રસ્તા છે તો ક્યાંક ખૂબ જ સાંકડા રસ્તાઓ છે. શહેરમાં સતત વધી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં રસ્તાઓ પહોળા કરવાની જરૂરિયાત પણ રજૂ કરવામાં આવી હતી.
જમીનદાર અને બિલ્ડર કવલ દેસાઈઍ જણાવ્યું હતું કે વાપીના જૂના વિસ્તારોમાં અગાઉથી ટીપી અને ડીપી જાહેર થઈ ચૂક્યા છે. આવા વિસ્તારોમાં ફરીથી નવો નકશો તૈયાર કરવામાં આવશે તો જમીનમાલિકો અને ડેવલોપરો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
વાપીના વિકાસ નકશા અંગે સુરતના કન્સલ્ટન્ટ ડો. ભાસ્કર ભટ્ટ દ્વારા આગામી ૧૦ વર્ષને ધ્યાને લઈ તૈયાર કરવામાં આવી રહેલા વિકાસ નકશાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વાપીની વધતી વસ્તી, ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા, ડ્રેનેજ સહિતની જરૂરિયાતોને અનુરૂપ ભવિષ્યનું આયોજન કરવામાં આવી રહ્નાં હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું.
બેઠકના અંતે જિલ્લા કલેક્ટર તથા સભાના અધ્યક્ષ નીતિન સાંગવાને જણાવ્યું હતું કે, અભિપ્રાય રજૂ કરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં જે લોકો પોતાની રજૂઆત કરવા માંગતા હોય તેઓ વાપી મહાનગરપાલિકામાંથી ફોર્મ મેળવી આગામી આઠ દિવસ સુધી પોતાની રજૂઆત કરી શકશે. ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ રૂબરૂ આવીને રજૂઆત કરી શકાશે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, ટાઉન પ્લાનિંગ વિભાગના ચેરમેન મિતલબેન શાહ, વાપી અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, જમીનમાલિકો, બિલ્ડરો, ડેવલોપરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્ના હતા.
