Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

દમણ પોલીસ અને સરકારી ઍન્જિનિયરિંગ કોલેજ વચ્ચે સાયબર જાગૃતિ માટે ઍમઓયુ કરાયા

દમણ પોલીસ અને સરકારી  ઍન્જિનિયરિંગ કોલેજ વચ્ચે સાયબર જાગૃતિ માટે ઍમઓયુ કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૧૨ ઃ દમણમાં સાયબર સુરક્ષા, સાયબર ક્રાઈમ નિવારણ અને જનજાગૃતિને વધુ મજબૂત બનાવવા માટે દમણ પોલીસ અને સરકારી ઍન્જિનિયરિંગ  કોલેજ, દમણ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (ઍમઓયુ) કરવામાં આવ્યો છે. આ ઍમઓયુ અંતર્ગત સાયબર સુરક્ષા, તાલીમ, સંશોધન અને સમુદાય સાથે જોડાણના ક્ષેત્રોમાં બંને સંસ્થાઓ સાથે મળીને કામગીરી કરશે.
ઍમઓયુ પર દમણના પોલીસ અધિક્ષક કેતન બંસલ, આઈપીઍસ અને સરકારી ઈજનેરી કોલેજ, દમણના પ્રિન્સિપાલ પ્રોફેસર અવિનાશ ચૌધરીઍ હસ્તાક્ષર કર્યા હતાં.
આ પહેલ હેઠળ સાયબર અવેરનેસ વોલન્ટિયર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓને સાયબર વોલન્ટિયર તરીકે જોડવામાં આવશે અને દમણ પોલીસ દ્વારા તેમને સાયબર સુરક્ષા, સાયબર ક્રાઈમથી બચાવ, સુરક્ષિત ડિજિટલ વ્યવહાર તેમજ ડિજિટલ પ્લેટફોર્મના જવાબદાર ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવશે.
તાલીમ પ્રા કરેલા વિદ્યાર્થીઓ પોલીસ અધિકારીઓ સાથે મળીને સમાજમાં સાયબર જાગૃતિ ફેલાવશે. આ માટે વર્કશોપ, પ્રેઝન્ટેશન, જાગૃતિ અભિયાન, સોશિયલ મીડિયા સહિતના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે.
ઍમઓયુ અંતર્ગત સંયુક્ત સંશોધન, વિશેષ તાલીમ, નિષ્ણાતોના વ્યાખ્યાનો, વર્કશોપ તેમજ બંને સંસ્થાઓના પરસ્પર હિતના ક્ષેત્રોમાં ટેક્નોલોજી આધારિત ઉકેલો વિકસાવવાની કામગીરી પણ કરવામાં આવશે.
આ પહેલથી યુવાનોની ટેકનિકલ ક્ષમતા અને ઉત્સાહનો ઉપયોગ કરીને દમણમાં સાયબર જાગૃતિ વધારવા અને વધુ સુરક્ષિત તથા ડિજિટલી સક્ષમ સમાજના નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. દમણ પોલીસ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી વધારી ટેક્નોલોજી આધારિત અને જનકેન્દ્રિત પોલીસિંગને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.