ધરમપુરમાં ફરી રખડતાં ઢોરોનો અડીંગો : અકસ્માતનો ભય
- byDamanganga Times
- 13 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૨ ઃ ધરમપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ જાહેર માર્ગો પર રખડતાં પશુઓનો જમાવડો ફરી વધ્યો છે. શહેરના આંસુરા વાવ ચોકડી, હાથીખાના, પ્રતાપબા પાર્ક સામેનો માર્ગ, ત્રણ દરવાજા, સમડી ચોક, ગાર્ડન રોડ, આંસુરા ઝાંપા બજાર અને માલનપાડા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પશુઓ અડીંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્ના છે.
રસ્તા વચ્ચે અચાનક પશુઓ આવી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને નજીકથી વાહન પસાર થતાં પશુઓ અચાનક દોડે તો અકસ્માતની શક્યતા પણ વધી જાય છે. અગાઉ પણ રખડતાં પશુઓના કારણે અનેક નિર્દોષ લોકો અને મહિલાઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાના બનાવો સામે આવ્યા છે, જ્યારે કેટલાક કિસ્સામાં લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે
ગૌશાળા હોવા છતાં રસ્તાઓ પર ઢોર કેમ ? જેવા અનેક સવાલો ઊભા થયા છે.
માલનપાડા બાવડી ફળિયા ખાતે રાજ કલિકુંડ ગૌશાળા, પાલગોટા મેટલ-મુંબઈ અને ધરમપુર નગરપાલિકાના સહયોગથી ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા શરૂ કરવામાં આવી હતી. અહીં છેલ્લા દોઢેક વર્ષથી ૩૦થી વધુ રખડતાં પશુઓને બે રખેવાળ તથા ઘાસચારાની સુવિધા સાથે રાખવામાં આવતા હતા. હાલ ગૌશાળામાં માત્ર આશરે ૧૦ પશુઓ જ જોવા મળી રહ્ના છે, જ્યારે ૩૦થી વધુ પશુઓને રાખી શકાય તેવી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં રખડતાં પશુઓ જોવા મળતા પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્ના છે.
ગૌશાળા જેવી વ્યવસ્થા ઉપલબ્ધ હોવા છતાં જો શહેરના રસ્તાઓ પર ફરી રખડતાં ઢોરોનો અડીંગો જોવા મળે છે તો પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી શા માટે કરવામાં આવતી નથી નગરજનોમાં ચર્ચા ઉઠવા પામી છે. રખડતાં ઢોરોના કારણે અગાઉ બનેલા અકસ્માતોનું પુનરાવર્તન ન થાય તે માટે ધરમપુર નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરી રસ્તાઓ પરથી રખડતાં પશુઓને પકડી સુરક્ષિત રીતે માલનપાડા બાવડી ફળિયા ખાતેની ગૌશાળામાં ખસેડે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. ઍક સમયે રખડતાં પશુઓને આશ્રય આપવાના આ સેવાકીય કાર્યને નગરજનો અને નાના મોટા વાહનચાલકોઍ બિરદાવી હતી હવે ફરી શહેરના રસ્તાઓ પર ઢોરોના જમાવડાથી નારાજગી જોવા મળી રહી છે. ત્યારે શું ધરમપુર નગરપાલિકા ફરી સક્રિય બની રખડતાં ઢોરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે કે કેમ ? તે જોવું રહ્નાં.
