Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

ધરમપુરમાં નારિયેળનો ટપ્પા દાવ ફીક્કો

ધરમપુરમાં નારિયેળનો ટપ્પા દાવ ફીક્કો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૨ ઃ આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા અને ઉત્સાહ સાથે ઉજવાતા દિવાસા પર્વે ધરમપુર શહેરમાં નારિયેળની ટપ્પા રમતનો રંગ આ વખતે ફીક્કો જોવા મળ્યો હતો. ઍક સમયે દિવાસાના દિવસે ધરમપુર શહેરમાં કીડિયારીની માફક માનવ મહેરામણ ઉમટી પડતું હતું અને ખાસ કરીને સમડી ચોક સહિતના વિસ્તારોમાં નારિયેળની ટપ્પા રમતને લઈને ભારે ઉત્સાહ જોવા મળતો હતો. જોકે છેલ્લા બે વર્ષથી આ પરંપરાગત રમતમાં લોકોનો રસ ઘટતો જોવા મળી રહ્ના છે.
દિવાસા પર્વે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા આદિવાસી ભાઈઓ નારિયેળની ખરીદી કરી સામસામે ઊભા રહી ઍક હરિફ ખોબામા નારિયેળ પકડે છે જ્યારે બીજો હરીફ નાળિયેર થી પ્રહાર કરે છે બંનેમાંથી જેનું નારિયેળ ફૂટી જાય તેને સામેના વિજેતા થયેલ હરીફ ને નારિયેળ આપવું પડે છે. આ રીતે  સમગ્ર દિવસ દરમિયાન  નારિયેળની ટપ્પા રમત ચાલતી રહે છે  
 ઍક સમયે દિવાસાના દિવસે ધરમપુર શહેરમાં લાખો રૂપિયાના નારિયેળ ફૂટી જતા હોવાની પરંપરા રહી છે.
પરંતુ આ વર્ષે નારિયેળના વધેલા ભાવની સીધી અસર ટપ્પા રમત પર જોવા મળી હતી. આખા નારિયેળનો ભાવ આશરે ૪૦ સુધી પહોંચતા રમતના રસિકોને નારિયેળ ખરીદવામાં મુંજવણ અનુભવાઈ હતી, જ્યારે ફૂટેલા ઍક નારિયેળનો ભાવ પણ આશરે ૩૦ બોલાયો હતો. નારિયેળના ભાવ વધવાને કારણે ખરીદી અને ટપ્પા રમત બંને પર અસર જોવા મળી હતી.
  ધરમપુરના મહત્વના સમડી ચોક વિસ્તારમાં દિવાસાના પર્વે દર વર્ષે અસંખ્ય લારીઓ પર નારિયેળનું વેચાણ થતું હતું, પરંતુ આ વખતે માત્ર બે જેટલી લારીઓ જોવા મળતાં બજારમાં પણ અગાઉ જેવો માહોલ જોવા મળ્યો નહોતો. ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આ વખતે નહિવત પ્રમાણમાં લોકો શહેરમાં આવતા જોવા મળ્યા હતા. તેમ છતાં જે આદિવાસી ભાઈઓ દિવાસા પર્વની ઉજવણી માટે પહોંચ્યા હતા તેમણે પરંપરા જાળવી રાખી નારિયેળની ટપ્પા રમતની મજા માણી હતી.
  દિવાસા પર્વના મહત્વ અંગે ડો. હેમંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધરમપુર-કપરાડા સહિતના આદિવાસી વિસ્તારોમાં અષાઢી અમાસ સુધી રોપણીથી લઈને ખેતીનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઈ જાય છે. તેની ખુશીમાં આદિવાસી સમાજ પરંપરા મુજબ દિવાસા પર્વની આનંદ-ઉલ્લાસ સાથે ઉજવણી કરે છે. ઢીંગલા-ઢીંગલીની પૂજા-અર્ચના કરી સાંજના સમયે વાજતે-ગાજતે નદીમાં વિસર્જન કરવાની પણ વર્ષો જૂની પરંપરા છે. તેમણે ધરમપુર-કપરાડા વિસ્તારના ભાઈ-બહેનોને દિવાસા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઍક સમયની ભીડ અને લાખો રૂપિયાના નારિયેળની ટપ્પા રમત માટે જાણીતા ધરમપુરમાં હવે વધતા ભાવ અને બદલાતા સમયની અસરથી આ પરંપરાગત રમત ધીમે ધીમે ફીક્કી પડી રહી હોવાનો માહોલ જોવા મળ્યો હતો.