તાન નદીમાંથી ૧૯ કલાક બાદ યુવકની લાશ મળી
- byDamanganga Times
- 13 August, 2026
ધરમપુર, તા.૧૨ ઃ ધરમપુર તાલુકાના કાંગવી ગામના હિમાંશુભાઈ શંકરભાઈ ગાવીત તાન નદીમાં તણાઈ ગયા હોવાની ઘટનામાં આશરે ૧૯ કલાકની સતત શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આંબા તલાટ ખાતે આવેલા તાન નદીના પુલ ઉપરથી હિમાંશુભાઈની મોટરસાયકલ તેમજ મોબાઇલ ફોન મળી આવ્યા હતા, જેના આધારે તેમણે નદીમાં કૂદકો માર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ધરમપુર નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો દ્વારા તાન નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. નદીમાં પાણીના પ્રવાહ અને સ્થળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
હિમાંશુભાઈની ભાળ મેળવવા માટે ચંદ્રપુરથી તરવૈયાઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ધરમપુર પાલિકાના ફાયર વિભાગના જવાનો અને ચંદ્રપુરના તરવૈયાઓ દ્વારા સતત અને અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. લાંબા સમયની શોધખોળ બાદ આશરે ૧૯ કલાક પછી તાન નદીમાંથી હિમાંશુભાઈ ગાવીતનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતાં પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ મૃતદેહને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે કાંગવી ગામ સહિત આસપાસના વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરી હતી.
