વાપીના મુખ્ય બજારમાં પેવર બ્લોકની કામગીરી સામે સવાલો
- byDamanganga Times
- 13 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૨ ઃ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮માં આવેલા મુખ્ય બજારમાં સરદાર ચોકથી ઝંડા ચોક સુધી માર્ગની બંને બાજુ ફૂટપાથ તથા પેવર બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે ડ્રેનેજ લાઈન તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જોકે, કામગીરીની ગુણવત્તા અને લેવલ જાળવવામાં આવી રહ્ના નથી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક દુકાનદારો અને વેપારીઓમાં અનેક સવાલો ઉઠી રહ્ના છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પેવર બ્લોક બેસાડતી વખતે યોગ્ય લેવલ અને લાઈન-દોરીનું ધ્યાન રાખવામાં આવતું નથી. ઉપરાંત, કામગીરીમાં હલકી ગુણવત્તાના પેવર બ્લોક તથા અન્ય માલ-મટીરિયલનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્ના છે. મહત્વનું ઍ છે કે હજુ કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ પણ થઈ નથી ત્યાં જ અનેક સ્થળોઍ પેવર બ્લોક ઉખડી જવા તેમજ તૂટી જવાની શરૂઆત થઈ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે મનપા દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે.
મુખ્ય બજાર વિસ્તારમાં રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી લાંબા સમય સુધી ટકી રહે તેવી ગુણવત્તાયુક્ત કામગીરી કરવાની માંગ સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ સંબંધિત તંત્ર દ્વારા કામગીરીની સ્થળ તપાસ કરી પેવર બ્લોકની ગુણવત્તા, લેવલ તથા વપરાયેલા મટીરિયલની ચકાસણી કરવામાં આવે અને ખામી જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ તેમજ ઈજનેરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
