વાપી મનપાના સીટી બસ સ્ટેશનમાં કાદવ-કીચડથી યાત્રીઓને હાલાકી
- byDamanganga Times
- 13 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી મનપા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવા હજારો રોજિંદા નોકરિયાતો અને વાપીમાં સમાવિષ્ટ ૧૧ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પરંતુ ચોમાસામાં આ જ સેવા યાત્રીઓ માટે માથાનો દુખાવો બની છે. વાપીના ગીતાનગરમાં રેલ્વે સ્ટેશનની સામે મુખ્ય રોડને અડીને આવેલા સિટી બસ સ્ટેશનથી ૨૦ જેટલી સિટી બસો શહેરના અને જીઆઈડીસીથી લઈ સંઘ પ્રદેશની બોર્ડર સુધીના ૧૧ થી વધુ રૂટ ઉપર દોડે છે જોકે અહીં સિટીબસ સ્ટેશન પરિસરમાં હાલ વરસાદના કારણે ઠેર-ઠેર કાદવ-કીચડ પથરાયેલો છે. પરિસરમાં પાણી ભરાવા અને રસ્તો કાદવવાળો હોવાના કારણે બસ ચાલકો બસને સ્ટેશનની અંદર લઈ જવાને બદલે ગીતાનગરના મુખ્ય રોડ પર જ ઉભી રાખીને યાત્રીઓને ઉતારી દે છે. સ્ટેશનની હાલતના કારણે રોજ સવાર અને સાંજે પિક અવરમાં અહીં ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્ના છે. ઓફિસ અને કંપનીઍ જતા હજારો કામદારોને આ જામમાં ફસાવું પડે છે. બસમાંથી ઉતરનારા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પણ કાદવમાંથી પસાર થઈને જવું પડે છે. ઘણી વખત લપસી પડવાની ઘટનાઓ પણ બને છે. સ્થાનિક યાત્રીઓઍ મનપાને વિનંતી કરી છે કે બસ સ્ટેશન પરિસરમાં તાત્કાલિક ગ્રેવલ કે પથ્થર પાથરીને કાદવની સમસ્યા હલ કરવામાં આવે.
