નારગોલ સુધી મુસાફરો વિના જ બસ દોડાવનાર કન્ડકટર સસ્પેન્ડ
- byDamanganga Times
- 13 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપી ઍસટી ડેપો ખાતે ફરજ બજાવતા કંડક્ટર ગુલાબસિંગ ઈશ્વરજી ગોહિલ સામે ફરજમાં બેદરકારી અને ઍસટી સંસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવાના આક્ષેપને લઈ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગત તા. ૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૬ઃ૧૫ કલાકે ગુલાબસિંગ ગોહિલે જૂના બસ ડેપોના સ્ટેન્ડ પરથી બસ ઉપાડી હતી. બસમાં મુસાફરોને બેસાડ્યા બાદ તેમને ઉતારી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બસને મુસાફરો વિના નારગોલ સુધી લઈ જવામાં આવી હતી. આ બસ વાયા ફણસા કલગામ થઈ મરોલી જવાની હોવા છતાં ઉપરોક્ત ગામોના મુસાફરોને કંડક્ટરે મનસ્વી રીતે મુસાફરોને બસમાં બેસાડ્યા નહોતા અને આશરે ૪૨.૧૫ કિલોમીટર સુધી ઍકપણ મુસાફરને મુસાફરી કરાવી નહોતી. આ ઉપરાંત, ઍસટી સંસ્થાના નિયમ મુજબ બુકિંગ શાખામાંથી ચ્ગ્વ્પ્ મશીન મેળવી ફરજ બજાવવાની હોવા છતાં કંડક્ટરે બુકિંગ ક્લાર્ક પાસેથી ચ્ગ્વ્પ્ મશીન લીધું નહોતું. પરિણામે મુસાફરોને ટિકિટ પણ આપવામાં આવી નહોતી. આ અંગે મુસાફરો દ્વારા મૌખિક ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલો ડેપો મેનેજરના ધ્યાને આવ્યો હતો. વાપી ડેપોના મેનેજર જે.સી. માહલા દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ ઍસટી સંસ્થાને થયેલા સંભવિત આર્થિક નુકસાન બદલ જવાબદાર કંડક્ટર ગુલાબસિંગ ઈશ્વરજી ગોહિલ સામે ફરજ મોકૂફીની કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્શનના આ સમયગાળા દરમિયાન તેમણે આહવાડેપો મેનેજર સમક્ષ નિયમિત હાજરી આપવાની રહેશે. આ ઘટનાને પગલે વાપી ઍસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.
