Damanganga Times.

Damanganga Times.

August 10, 2026

દમણ અને દાનહમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

દમણ અને દાનહમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૦૯ ઃ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રવિવારે દાદરા અને નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાનવેલમાં સર્વ આદિવાસી સમાજના નેજા હેઠળ ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રેલી દરમિયાન આદિવાસી સમાજના મહાનુભાવો અને સમાજ માટે યોગદાન આપનાર વ્યક્તિત્વોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સવારે આશરે ૧૦ વાગ્યે બાલદેવી ડાંડુલ ફળિયાથી રેલીનો પ્રારંભ થયો હતો. પરંપરાગત વેશભૂષામાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આદિવાસી ઍકતા, સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી. બાલદેવીથી નિકળેલી રેલી સેલવાસનાં વિવિધ માર્ગો પર ફરી ખાનવેલ પહોîચી હતી. જ્યાં આદિવાસી સાંસ્કૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.
તેવી જ રીતે દમણમાં દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ ખાતે ભવ્ય મહા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેક્ટર  આરતી અગ્રવાલ ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે  આરતી અગ્રવાલે આદિવાસી સમાજના ભાઈઓ-બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને વિશ્વ આદિવાસી દિવસના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ તેમણે બાઈક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીને મોટી દમણ અને નાની દમણના દરેક ગામોમાં સ્થાનિક લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.